પાટડીના બુબવાણા ગામે વીજ કરંટથી ત્રણ ખેત મજૂરોના મોત
- ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી ગઇ
- ટ્રેક્ટરમાં સવાર અન્ય 6 મજૂરો ગંભીર રીતે દાઝી ગયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બુબવાણા ગામે ખેત મજૂરો ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી જીવંત વીજવાયરને અડી જતા વીજ કરંટથી બે મહિલાઓ સહિત ત્રણ મજૂરના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. સોમવારે સવારે સાડા સાતેક વાગ્યે બનેવી આ દુઘટનામાં અન્ય ૬ મજૂરો વીજ કરંટથી ગંભીર રીતે દાઝી ગયા હતા . મજૂરો મધ્યપ્રદેશના વતની હતા.જેઓને સારવાર માટે વિરમગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ગામની વાડીએ કાલા કપાસ વિણવા માટે સોમવારે મજૂરો ભરેલું એક ટ્રેક્ટર ગામની વાડીમાંથી પસાર થઇ રહ્યું હતું. ત્યારે આ ગોઝારી દુર્ઘટના સર્જાઇ હતી. વીજ વાયર નીચા હોવાથી ટ્રોલી તેને અડી ગઇ હતી. મૃત્યું પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા આ મજૂરો મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના અલીરાજપુર તાલુકાના હોવાનું જાણવા મળે છે. મૃતદેહોને પોસ્ટમોટર્મ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા.
આ બનાવમા ઉર્મીલાબેન અજયભાઈ (ઉં.વ.૨૫), લાડુબેન ભરમાભાઈ (ઉં.વ.૫૦) અને કાજુભાઈ મોહનભાઈ (ઉં.વ.૩૫)ના મોત થયા હતા. જ્યારે બાલીબેન લાભુભાઈ ,નરેશભાઈ મોહનભાઈ, સુરમજી નીકેતભાઈ ,સુખીબેન કાળુભાઈ,રુદ્ર કાજુભાઈ અને અન્ય એક શખ્સ ગંભીર રીતે દાઝી ગયા હતા.