Get The App

ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
ચોટીલા-રાજકોટ હાઈવે પર એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત 1 - image


- દર્દીને ચોટીલાથી રાજકોટ લઈ જતી વખતે અકસ્માત

- અકસ્માતમાં દર્દીનાં દીકરી, બહેન અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકનું મોત : એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ નિકળી ગયો : પોલીસે તપાસ આદરી

સુરેન્દ્રનગર : ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સના ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. જે અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલબેન મકવાણા (ઉં.વ.૩૫) ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પોતાની દીકરી તથા દીકરા સાથે સારવાર અર્થે આવ્યા હતા. જે દરમિયાન તેમના રાજકોટ ખાતે રહેતા બેન અને બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. સારવાર દરમિયાન દર્દીની તબીયત વધુ લથડતા ફરજ પરના ડોક્ટરે દર્દીને વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલે લઈ જવાનું જણાવ્યું હતું. 

પરંતુ સરકારી એમ્બ્યુલન્સ અન્ય ગામમાં કામગીરીમાં ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સ (ઈકો કાર)માં દર્દીને સારવાર અર્થે રાત્રીના સમયે રાજકોટ લઈ જઈ રહ્યાં હતાં. ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા તથા તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉં.વ.૧૮), મોટાબેન, બનેવી અને પુત્ર સાથે રાજકોટ હોસ્પિટલે સારવાર અર્થે જઈ રહ્યાં હતાં.

 જે દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા પાસે એમ્બ્યુલન્સ ટ્રક સાથે ઘડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. આ બનાવથી આસપાસના વાહનચાલકો ઉમટી પડયાં હતાં અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને એમ્બ્યુલન્સમાં સવાર તમામ લોકોને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.

 જેમાં ફરજ પરના ડોક્ટરે ગીતાબેન જયેશભાઈ મીયાત્રા (ઉં.વ.૪૫)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ચાલક વિજયભાઈ જીવાભાઈ બાવળીયા (ઉં.વ.૩૯ રહે.ચોટીલા)ને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે રાજકોટ રીફર કરવામાં આવ્યાં હતાં પરંતુ બન્ને ઈજાગ્રસ્તો રાજકોટ પહોંચે તે પહેલા જ મોત નીપજતા કુલ મૃત્યુઆંક ૩ થયો હતો. 

આમ એક જ પરિવારની બે મહિલા સહિત એમ્બ્યુલન્સના ચાલકનું મોત નીપજતાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગમખ્વાર અકસ્માતમાં મૃતકોના નામ

(૧)  વિજયભાઈ બાવળીયા (એમ્બ્યુલન્સ ચાલક, રહે.ચોટીલા)

(૨)  પાયલબેન મકવાણા ( રહે. રાજપર)

(૩)  ગીતાબેન મીયાત્રા ( રહે. રાજકોટ)

ટ્રક સાથે ઘડાકાભેર અથડાતા એમ્બ્યુલન્સનો કચ્ચરધાણ

ચોટીલા હોસ્પિટલેથી દર્દીને રાજકોટ સારવાર અર્થે લઈ જતી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સ આપાગીગાના ઓટલા પાસે ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં.


Google NewsGoogle News