થાનમાં ત્રણ જગ્યાએ જુગારના અડ્ડા પર દરોડો પડાયો
- વર્લી મટકાના આંકફેરનો જુગાર રમાતો હતો
- 7.78 લાખની મત્તા સાથે 4 શખ્સોની ધરપકડ કરાઇ
સુરેન્દ્રનગર : થાન શહેરમાં અલગ અલગ જગ્યાએ ચાલતા વર્લી મટકાના જુગાર પર થાન પોલીસે દરોડો કરી જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ૪ શખ્સોને થાન પોલીસે ઝડપી પાડયા હતાં.પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહીત કુલ રૂપિયા ૭૭૮૮૨૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
થાન શહેર તેમજ આસપાસનાં વિડીયો વર્લી મટકાના આંકફેરના જુગારધામ પર થાન પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા હતાં જેમાં થાન શહેરની અસ્થળની જગ્યા પાસે દરોડો કરી જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા ભુપતભાઇ રામજીભાઇ ચાવડા અને સાંગાભાઇ દેવાયતભાઇ કરપડાને રોકડા રૂપિયા ૨૯૦૦ એક મોબાઇલ ફોન તેમજ એક ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ સહીત કુલ રૂપિયા ૫૦૭૯૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો .
જ્યારે જયેશભાઇ જેન્તીભાઇ ચાવડા, ધર્મેશભાઇ માલકીયી અને મગનલાલ રબારી નામના ત્રણ શખ્સો હાજર મળી આવ્યા ન હતા. જ્યારે બીજા દરોડામાં થાન આંબેડકર સોસાયટી આંબેડકર નગર હોલ સામે વર્લી મટકાનો આંકફેરનો જુગાર રમતા જગદીશભાઇ ઉર્ફે જગો પુનાભાઇ રાઠોડ રોકડા રૂપિયા ૧૩૧૦ મોબાઇલ ફોન તેમજ એક બાઇક સહીત કુલ રૂપિયા ૧૧૧૩૧૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જ્યારે ત્રીજા દરોડામાં થાન જોગ આશ્રમ પાસે જાહેરમાં વર્લી મટકાના આંકફેરનો જુગાર રમતા કિશનભાઇ છગનભાઇ રંગપરાને રોકડા રૂપિયા ૪૬૧૦ તેમજ મોબાઇલ ફોન અને રિક્ષા સહિત કુલ રૂપિયા ૧૫૯૬૧૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
થાન પંથકમાં ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ વર્લી મટકાના જુગાર પર પોલીસના દરોડાને લઇને અસામાજીક પ્રવ્તિ કરતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ હતી.