Get The App

કામલપુર ગામના ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
કામલપુર ગામના ફાયરિંગ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા 1 - image


- ત્રણ દિવસ પહેલા ફાયરિંગ કર્યું હતું

- હથિયાર અને બાઈક જપ્ત : હજુ 6 આરોપી પોલીસ પકડથી દૂર

સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના કામલપુર ગામે ગત તા.૩૦ જૂનના રોજ બે વ્યક્તિઓ વચ્ચે મારામારી અને ફાયરિંગનો બનાવ બન્યો હતો. જેમાં એક શખ્સને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ૯ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતના સ્ટાફે ૩ આરોપીઓને ગુમાં વપરાયેલા હથિયાર અને બાઈક સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

કામલપુર ગામેે ત્રણ દિવસ પહેલા ઢોરના ચાલવા બાબતે ગામમાં રહેતા ગોપાલભાઈ નારણભાઈ મુંધવા અને લાલભાઈ સોમાભાઈ ભરવાડને બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા ૮ થી ૯ જેટલા શખ્સોએ ધારીયું, લોખંડની દાતી, બંદુક, તમંચો, લાકડી વડે મારમાર્યો હતો. 

જેમાં એક શખ્સ દ્વારા બંદુકમાંથી લાલભાઈને મારી નાંખવાના ઈરાદે ફાયરીંગ કરી નાસી છુટયા હતા. જે મામલે બજાણા પોલીસ મથકે ૯ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસવડાની સુચનાથી ધ્રાંગધ્રા ડીવાયએસપી સહિતની ટીમે ૯ આરોપીઓ પૈકી અબ્બસખાન મુસ્તુખાન ઉર્ફે મુસ્તફાખાન મલેક (ઉ.વ.૨૪), સોહીલખાન સુવાદખાન મલેક (ઉ.વ.૨૩) અને ઈમરાનખાન સુવાદખાન મલેક (ઉ.વ.૨૮, તમામ રહે. કામલપુર)ને ઝડપી પાડયા હતા. 

પોલીસે ગુનામાં વપરાયેલા હથિયાર અને બાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. 

---

સરપંચ સહિત ગ્રામજનોની લેખિત રજૂઆત

દિગસર ગામમાં પાણીની સમસ્યા અંગે કલેક્ટરને રજૂઆત

પાણી પુરવઠા વિભાગ ઓરમાયું વર્તન કરતું હોવાના આક્ષેપ

સુરેન્દ્રનગર,તા.૨

મુળી તાલુકાના દિગસર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યા અંગે કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

દિગસર ગામમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગ્રામજનોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી ન મળતું હોવાની રજૂઆત કરાઈ હતી. ગામના તળાવ અને કુવામાં પણ પુરતો પાણીનો જથ્થો નહીં હોવાથી ભરચોમાસે અંદાજે ૫,૦૦૦થી વધુ ગ્રામજનો અને ૨,૫૦૦થી વધુ ખેતમજુરોને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

જે અંગે પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે રજૂઆત નહીં સાંભળી ઓરમાયું વર્તન કર્યું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો. તેમજ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. તેમજ ગામના ચેકડેમ પર સીંચાઈ વિભાગ દ્વારા જેસીબી વડે ખાંચા બનાવવામાં આવ્યા છે પરંતુ તેના ઉપર એક મીટરની જાળીની પ્લેટ નાંખવામાં આવી નથી. જેના કારણે ચેકડેમ ધોવાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આથી તાત્કાલીક ધોરણે આ કામગીરી પણ પૂર્ણ કરવાની માંગ કરી હતી.



Google NewsGoogle News