થાનમાં ઝઘડાના મનદુઃખ બાબતે માતા પુત્રને મારી નાંખવાની ધમકી
- ધમકી આપનારા બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાઇ
સુરેન્દ્રનગર : થાન શહેરમાં અગાઉના ઝઘડાના મનદુઃખ બાબતે બે શખ્સોએ મહિલા અને તેના પુત્રને ફોન કરી બેફામ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મહિલાએ થાન પોલીસ મથકે બે શખ્સો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
થાન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ થાનમાં રહેતા કંચનબેન ભુપતભાઇ ચાવડાના પરિવારને અંદાજે એક માસ પહેલા થાનમાં જ રહેતા બીપીનભાઇ ઇશ્વરભાઈ પારઘી સાથે મારામારી થતાં બન્ને પક્ષે સામસામી ફરીયાદ નોંધાઇ હતી જે બાબતનું મનદુખ રાખી બીપીનભાઇ ઇશ્વરભાઇ પારઘી અને ભૌતિક જેન્તીભાઇ મકવાણાએ કંચનબેનના દિકરા નરેન્દ્રભાઈને મોબાઇલ ફોનમાં ફોન કરી નરેન્દ્રભાઈ તેમજ કંચનબેનને બેફામ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ કંચનબેન બજારમાં ગયા હતા તે દરમિયાન રસ્તામાં બીપીનભાઇ પારઘી સામે મળતા તેમણે કંચનબેનને તારા દિકરાને જેમ રાખવો હોય તેમ રાખજે મારા માણસો હથિયાર લઇને ફરે છે ગમે ત્યારે એકલો મળશે ત્યારે જાનથી મારી નાંખવો છે એવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે કંચનબેન ચાવડાએ થાન પોલીસ મથકે બીપીનભાઇ ઇશ્વરભાઇ પારઘી અને ભૌતિક જેન્તીભાઇ મકવાણા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.