થાનમાં સિરામિક કારખાનાના માલિક પાસેથી ખંડણી માગી ધમકી આપી
- સીસીટીવી ફૂટેજના આધારે બે સામે ગુનો નોંધ્યો
- કારખાનાના ચોકીદારને છરી બતાવી ગેટને નુક્સાન પહોંચાડયું હોવાની બે શખ્સો સામે ફરિયાદ
સુરેન્દ્રનગર : થાન અભેપર રોડ પર આવેલા એક સીરામિક કારખાનાના ચોકીદારને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી તેમજ કારખાનાના માલિક પાસે માસિક રોકડ રકમની ખંડણી માંગી ગેટને નુકશાન પહોંચાડયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેને ધ્યાને લઈ પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
થાન અભેપર રોડ પર સીરામિક કારખાનું ધરાવતા ફરિયાદી અલ્તાફભાઈ અકબરભાઈ વડાવરીયા કોઈ કામ અર્થે બહારગામ હતા. ત્યારે રાત્રીના સમયે તેમના સીરામિક કારખાના પાસે બે શખ્સોએ કાર લઈ આવી ગેઈટને નુકશાન પહોંચાડયું હતું.
તેમજ ફરજ પરના કારખાનાના ચોકીદાર નારણભાઈ વાલાણીને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત ફરીયાદીને બોલાવવાનું જણાવી દર મહિને રૂા.૨૦,૦૦૦ ફરિયાદીને આપવા પડશે નહીં તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. તથા ગેઈટ સાથે છરીના ઘા ઝીંકી નુકશાન પહોંચાડયું હતું.
જે સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે ખંડણી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી અંગે અલ્તાફભાઈએ કનુભાઈ કરપડા અને એક અજાણ્યા શખ્સ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.