Get The App

સુરેન્દ્રનગર જિલ્લામાં 70 હજાર હેક્ટરથી વધુના જીરૂના વાવેતર પર ખતરો

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર જિલ્લામાં 70 હજાર હેક્ટરથી વધુના જીરૂના વાવેતર પર ખતરો 1 - image


- અચાનક વાતાવરણમાં પલટો આવતા

- કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં જીરૂની લણણી માટે દોડધામ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા જીરૂ, વરિયાળી અને ચણા સહીતના પાક પર સંકટના વાદળો ઘેરાયા છે. વાદળછાયા વાતાવરણમાં કમોસમી વરસાદની આશંકાને લઇને જીરૂનો  પાક તો ખેડૂતો ઉપાડવા પણ લાગ્યા છે. વાતાવરણમાં પલટાને લઇને જીરૂ અને વરિયાળી સહીતના પાકમાં રોગ આવતા ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૭૦ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહીને લઇને ખેડૂતો ચિંતિત બન્યા છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં જીરૂ, વરિયાળી સહિત કુલ ૨,૫૧,૦૦૦ હેક્ટરમાં રવી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જીરૂનું વાવેતર અંદાજે ૭૪,૭૭૦ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જીરૂનું વાવેતર ડબલ નોંધાયુ છે. 

તેવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અચાનક વાતાવરણમાં ફેરફાર થતાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે, જ્યારે બપોર બાદ તડકો પડી રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને લઇને જીરૂ, વરિયાળી તેમજ ચણા સહિતના પાકને અસર થવાની શક્યતાઓ છે. 

કમોસમી વરસાદ આવે તો જીરૂનો પાક ખરી જવાની આશંકાએ, જીરૂનો પાક હજી તૈયાર થવામાં થોડો સમયની વાર હોવા છતાં, ખેડૂતોમાં જીરૂનો પાકની લણણી કરવા માટે દોડધામ મચી જવા પામી છે. તેવામાં મજૂરોને મોં માંગી મજૂરી ચૂકવવા છતાં હાલ મજૂરો ના મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.

ત્યારે મહામહેનતે મોંધા બિયારણ અને મોંધી દવાઓના છંટકાવ બાદ પાક જ્યારે તૈયાર થવાની અણી પર છે તેવા સમયે જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોને મોં સુધી આવેલો કોળીયો ઝુંટવાઇ જાય તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ છે.


Google NewsGoogle News