Get The App

સુરેન્દ્રનગરમાં પાંચ દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ, વડગામમાં છ લોકોએ યુવાનને રહેંસી નાંખ્યો

જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો

વડગામમાં કાયદો વ્યવસ્થા જોખમાય નહીં તે માટે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

Updated: Jul 18th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં પાંચ દિવસમાં હત્યાનો ત્રીજો બનાવ, વડગામમાં છ લોકોએ યુવાનને રહેંસી નાંખ્યો 1 - image

સુરેન્દ્રનગરઃ જિલ્લાના સમઢિયાળામાં જમીન મામલે બે સગાભાઈઓની હત્યાનો બનાવ હજી તાજો છે. ત્યાં જ પાટડીના વડગામમાં જમીનની જૂની અદાવતના કારણે એક 19 વર્ષીય યુવકની જાહેરમાં હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે સાત લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈન્કાર કર્યો છે. વડગામમાં કાયદો વ્યવસ્થા જોખમાય નહીં તે માટે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ દિવસમાં જ જમીન મામલે ત્રીજી હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે. 

બે પરિવાર વચ્ચે જમીન મામલે વિવાદ

પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટડી તાલુકામાં રહેતા મૃતક અને આરોપીઓના પરિવાર વચ્ચે જમીન મામલે વિવાદ ચાલી રહ્યો છે. ગત 9 જુલાઈના રોજ ફરિયાદી પરબતભાઈનાં માતા ખેતરે આવેલા મંદિરે દર્શન કરવા જતાં વડગામના જયદેવભાઈ ડોડિયાએ અરજી કરી હતી. જેથી પરબતભાઈ દ્વાર જામીન લેવામાં આવ્યા હતા. આ બાબતનું મનદુઃખ રાખી ગઈકાલે બ્રિઝા કારમાં આરોપીઓ તલવાર અને ધારિયા સાથે વડગામમાં આવ્યા હતા અને રાહુલ લક્ષ્મણભાઈ ઠાકોરને તેના ઘરમાંથી બહાર કાઢી કરપીણ હત્યા નિપજાવી હતી. વડગામમાં 19 વર્ષીય યુવકની હત્યા મામલે મૃતકના કાકા દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે.

પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રાહુલ ઠાકોરની હત્યા બાદ મૃતદેહને વીરમગામ હોસ્પિટલ પર લઈ જવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં સમાજના લોકો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ મામલાના આરોપીઓ જ્યાં સુધી ઝડપાય નહીં ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. પાટડીના વડગામમાં હત્યાના બનાવના પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 


Google NewsGoogle News