ચીફ ઓફિસર સહિત સત્તાધીશોને ગુલાબનું ફુલ આપી વિરોધ કર્યો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ચીફ ઓફિસર સહિત સત્તાધીશોને ગુલાબનું ફુલ આપી વિરોધ કર્યો 1 - image


- સુરેન્દ્રનગર પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈકર્મીઓએ

- પડતર માંગોની રજૂઆત સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને કોન્ટ્રાકટર તેમજ પાલિકા તંત્ર દ્વારા પૂરતો અને નિયમિત પગાર આપવામાં આવતો ના હોવાથી આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહિ આવતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોએ હડતાળ પર જઈ પ્રથમ દિવસે પાલિકાના ચીફ ઓફિસર સહિતના સત્તાધીશોને ગુલાબનું ફુલ આપીને વિરોધ કર્યો હતો.

સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત પાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી અંદાજે ૩૦૦ થી વધુ કોન્ટ્રાક્ટ બેઈઝ ફરજ બજાવે છે અને નિયમિત સફાઈ સહિતની કામગીરી કરે છે. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા છેલ્લા ૩ મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો નથી.

 જે મામલે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા બાકીનો પગાર સહિત વિવિધ માંગો પૂરી નહિ થતા કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો કામગીરીથી અળગા રહી હડતાળ પર જઈ પાલિકા તંત્ર સામે વિરોધ શરૃ કર્યો છે. જેમાં પ્રથમ દિવસે પાલિકાના ચીફ ઓફિસર અને સતાધીશોને ગુલાબ આપી પડતર પ્રશ્નો અંગે ઉકેલ નહિ આવતા ઉગ્ર રજૂઆત કરી હતી.

તેમજ છેલ્લા ત્રણ મહિનાનો બાકીનો પગાર ચૂકવવો સહિતની માંગો પૂરી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી તેમજ આ અંગે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ તકે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ, કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News