Get The App

સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડ માટે લાંબી લાઇનો લાગી

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડ માટે લાંબી લાઇનો લાગી 1 - image


- બેંકો સહિત જનસેવા કેન્દ્રોમાં કામગીરી બંધ કરાતા 

- ટોકન મુજબ દરરોજ માત્ર ૩૫ અરજદારોના કામ થતાં હોવાથી અન્ય અરજદારોને ધક્કો

સુરેન્દ્રનગર : સરકાર દ્વારા દરેક ક્ષેત્રે તેમજ આધાર પુરાવા સરકારી યોજનાઓના લાભ માટે આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે .પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં લોકોને આધારકાર્ડ અપડેટ સહિત નવા આધારકાર્ડની કામગીરી માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો તેમજ મર્યાદિત સંખ્યામાં કામગીરી થતી હોવાથી ધક્કો ખાવાનો પણ વારો આવી રહ્યો છે .જેમાં તાજેતરમાં શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારથી અરજદારોની લાંબી કતારો લાગતા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

 સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી બેન્ક, સરકારી યોજના, રેશનકાર્ડ સહિત દરેક ક્ષેત્રે આધારકાર્ડને મહત્વના પુરાવા તરીકે જાહેર કર્યું છે અને પાનકાર્ડ, રેશનકાર્ડ સાથે ફરજીયાત આધારકાર્ડને લીંક કરવામાં આવ્યું છે જેથી દરેક જગ્યાએ ફરજીયાત આધારકાર્ડની જરૂર પડે છે. 

પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના લોકોને આધારકાર્ડમાં અપડેટ કરાવવા તેમજ વંચિત લોકોને નવા આધારકાર્ડ કઢાવવા માટે હાલ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં માત્ર ચાર થી પાંચ જગ્યાએ જ સરકાર માન્ય લોકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે અરજદારોના નવા આધારકાર્ડ કઢાવવા તેમજ અપડેટ કરાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 

આ કામગીરી દિવસ દરમ્યાન માત્ર મર્યાદિત સમય માટે જ ચાલતી હોય દરરોજ અરજદારોને ટોકન મુજબ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે. હાલ શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસમાં જ નવા આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે જનસેવા તેમજ અમુક બેંકોમાં ચાલતી આધારકાર્ડ અપડેટ સહિતની કામગીરી કોઈ કારણોસર બંધ કરવામાં આવતાં શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે સવારથી અરજદારો ટોકન લેવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે.

 અને મર્યાદિત સંખ્યામાં અંદાજે ૩૦થી વધુ અરજદારોને જ ટોકન આપવામાં આવતાં અન્ય અરજદારોને ધક્કો ખાવાનો વારો આવી રહ્યો છે.

નવા આધારકાર્ડ તેમજ આધારકાર્ડમાં જન્મ તારીખ, નામ, ફિગ્રપ્રિન્ટ, સરનામું વગેરે અપડેટ કરાવવા માટે ભરઉનાળે માત્ર શહેરી વિસ્તાર જ નહિં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી અરજદારો ઉમટી પડે છે. પરંતુ એકમાત્ર હાલ શહેરની મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે જ આ કામગીરી ચાલી રહી હોય અરજદારોને હાલાકી પડી રહી છે. 

દરરોજ મોટીસંખ્યામાં અરજદારો આધારકાર્ડની કામગીરી માટે આવે છે પરંતુ ટોકન સીસ્ટમ મુજબ માત્ર ૩૦ થી ૩૫ જેટલા જ અરજદારોની કામગીરી કરવામાં આવે છે જ્યારે બાકીના અરજદારોને ધક્કો ખાઈ બીજે દિવસે સવારે ટોકન માટે લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. જ્યારે મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે આધારકાર્ડની કામગીરી માટે ટોકન આપનાર વ્યક્તિ પણ વહેલા ન આવતા અરજદારોને કલાકો સુધી માત્ર ટોકન માટે રાહ જોવી પડે છે .

અને ટોકન લીધા બાદ ફરી કામગીરી માટે લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવે છે. આથી જીલ્લા વહિવટી તંત્ર દ્વારા આધારકાર્ડની કામગીરી માટે અલગ-અલગ જગ્યાએ નવા ટેબલો મુકી વધુ સ્ટાફ દ્વારા કામગીરી કરાવવામાં આવે તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે. અગાઉની જેમ શહેરની અમુક બેંક સહિત જાહેર સ્થળો પર પણ આધારકાર્ડની કામગીરી માટે વધુ સુવિધા અને સ્ટાફ પુરો પાડવામાં આવે તો અરજદારોને પડતી મુશ્કેલીમાં રાહત મળી શકશે.



Google NewsGoogle News