Get The App

સુરેન્દ્રનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક જ ટેકનીકલ કર્મચારી હોવાથી હાલાકી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં એક જ ટેકનીકલ કર્મચારી હોવાથી હાલાકી 1 - image


- સિવિલ એન્જીનીયર એસોશીએસની રજૂઆત

- છેલ્લા બે વર્ષમાં 200 જેટલી પ્લાનની ફાઈલનો નિકાલ થતાં સત્વરે કામગીરીની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી તેમજ સંયુક્ત પાલિકા કચેરી ખાતે સિવિલ એન્જીનીયર અને આર્કિટેક એસોશીએસન દ્વારા મંજુર થયેલા પ્લાન વગર પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

આ અંગે રજૂઆતમાં જણાવ્યા મુજબ, સરકાર દ્વારા અનઅધિકૃત અને ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર નગરપાલિકામાં ઓનલાઈન તેમજ ઓફલાઈન અંદાજે ૩૫૦૦થી વધુ પ્લાનની ફાઈલો રજૂ કરવામાં આવી છે પરંતુ બે વર્ષમાં માત્ર ૨૦૦થી ઓછી ફાઈલોનો જ નિકાલ કરવામાં આવ્યો છે.

 આ ઉપરાંત સુચીત રેગ્યુલર ફાઈલોની પણ કામગીરીમાં ખુબ જ સમય લાગે છે. જેના કારણે એન્જીનીયરો સહિતનાઓને હાલાકી પડી રહી છે. જ્યારે પાલિકા કચેરીમાં ટાઉનપ્લાનીંગ વિભાગમાં ટેકનીકલ સ્ટાફમાં માત્ર એક જ પ્લાનીંગ આસીસ્ટન્ટ એન્જીનીયર છે અને તે પણ ધ્રાંગધ્રા નગરપાલિકાના ચાર્જમાં છે.

 તેમજ સુરેન્દ્રનગર પાલિકામાં એક જ ટેકનીકલ સ્ટાફ હોવાથી સ્ટાફના અભાવે ફાઈલોનો નિકાલ થઈ શકતો નથી. જેના કારણે સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સહિત રતનપર વિસ્તારનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની રજૂઆત કરી હતી.

 આથી પુરતા સ્ટાફની નિમણુંક કરી તાત્કાલીક મંજુર થયેલા પ્લાન વગર પડતી મુશ્કેલીનો અંત આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની જિલ્લા કલેકટર તેમજ પાલિકા તંત્રને રજુઆત કરવામાં આવી હતી. આ તકે સિવિલ એન્જીનીયર એસોશીએસનના હોદ્દેદારો અને એન્જીનીયરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.


Google NewsGoogle News