સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર મકાનમાંથી 1.90 લાખના મુદ્દામાલની ચોરી
- અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- સોના - ચાંદીના દાગીના, રોકડ રૂા. 1,35 લાખની મત્તા ઉઠાવીને તસ્કરો નાસી છૂટયા
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર દાળમીલ રોડ પર રહેતો પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમાં રહેલા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગે મકાનમાલિકે સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફલકયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર શહેરના દાળમીલ રોડ પર આવેલા અરૂણ સોસાયટી સામે રહેતા રવિભાઇ ભાલચન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે બે દિવસ માટે ભુજ ગયાં હતાં જ્યાંથી પરત ફરતા ઘરનું મેઇન દરવાજા તેમજ ઘરની અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળતા ચોરી થયા અંગેની જાણ થતાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિંમત રૂા.૪૮,૦૦૦ તથા રોકડા રૂા.૧,૩૫,૦૦૦ તેમજ મોબાઇલ, ૩-ઇયરપેડ, સ્માર્ટ વોચ અને પાવરબેંક સહીત કુલ રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી થયા અંગે સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતીમાન કર્યાં છે.
નોંધનીય છે કે, તસ્કરોએ માત્ર બે જ દિવસ બંધ રહેલા રહેણાંક મકાનને નિશાન બનાવી રૂા.૧,૯૦,૦૦૦ની મત્તાની ચોરી કરી રફુચક્કર થઇ ગયાં હતાં ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.
ચોરી થયેલા દાગીનાની વિગત
સોનાની ચેઈન
સોનાની રૂદ્રાક્ષની માળા
સોનાની બુટ્ટી પાંચ જોડી
સોનાનું મંગલકસુત્ર
સોનાની વીંટી
સોનાની ચેઇન પેન્ડલ વાળી
ચાર ખુણા વાળી પેન્ડલ ચેઇન
ચાંદીનો મોતીચોકીનો સેટ
ચાંદીની થાળી
ચાંદીના ગ્લાસ નંગ બે
ચાંદીના સિક્કા નંગ ૧૫