ધ્રાંગધ્રાં તાલુકામાં 94 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, રૂ. 25.50 લાખનો દંડ
- પીજીવીસીએલની 43 વિજિલન્સ ટીમની કાર્યવાહી
- શહેર અને તાલુકાસ રાજસીતાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 599 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા : આગામી દિવસોમાં હજુ કડક કાર્યવાહી હાથ ધરાશે
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯૯ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૂ. ૨૫.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો.
ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં મોટાપાયે વીજચોરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ પીજીવીસીએલની ટીમો દ્વારા ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર સહિત અલગ-અલગ વિસ્તારો તેમજ આસપાસના રાજસીતાપુર સહિતના ગામોમાં વીજીલન્સ સ્કવોડના અધિકારીઓ દ્વારા વીજચેકિંગ હાથ ધરાયું હતું.
જેમાં કુલ ૪૩ વીજીલન્સ ટીમો દ્વારા વીજચેકિંગમાં જોડાઇ હતી અને શહેરી અને ગ્રામ્ય વિસ્તારના રહેણાંક સહિત વિસ્તારોમાં ૫૯૯ વીજ કનેક્શનો ચકાસ્યા હતા. ૫૯૯ પૈકી ૯૪ વીજ જોડાણમાં ચોરી થતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેને પગલે આ વીજ ધારકોને અંદાજે રૂા.૨૫.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજતંત્રના ચેકિંગથી વીજચોરી કરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો હતો.
જ્યારે આગામી દિવસોમાં પીજીવીસીએલ વીજીલન્સ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.