Get The App

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસીડ ગટગટાવતા વઢવાણના યુવાનની હાલત ગંભીર

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એસીડ ગટગટાવતા વઢવાણના યુવાનની હાલત ગંભીર 1 - image


- પઠાણી ઉઘરાણી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ

- ૨૦ ટકા વ્યાજે પોણા ચાર લાખ રૂપિયા લીધેલા ઃ યુવાનની તબિયત લથડતા સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયો

સુરેન્દ્રનગર : વઢવાણ સુડવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને ભંગારની ફેરી કરતા યુવાને ૪ શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતાં જેની પઠાણી ઉઘરાણીથી કંટાળેલા યુવાને એસીડ પી લેતા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને ૪ શખ્સો સામે બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ સુડવેલ વિસ્તારમાં રહેતા રહિમભાઇ સીકુરભાઇ પઠાણ ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રહિમભાઇને આર્થિક જરૂરિયાત ઉભી થતાં છેલ્લા દોઢ વર્ષમાં અલગ અલગ ૪ શખ્સો પાસેથી ૨૦ ટકા અને તેથી વધુ ઉંચા વ્યાજે કુલ રૂા.૩.૭૫ લાખ વ્યાજે લીધા હતાં. આ રૂપિયાની ઉઘરાણી મામલે ઇમ્તીયાઝભાઇ દિવાન, જાઇદ હાસમશા દિવાન, ઘનશ્યામસિંહ મોરી અને ટુકી મહેબુબાઇ ચારેય શખ્સો રૂપિયાની ઉઘરાણી મામલે અવારનવાર રહિમભાઇના  ઘરે જઇ આપી માનસિક ત્રાસ આપી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતાં. આથી ચારેય શખ્સોના ત્રાસથી કંટાળી એસીડની બોટલ લઇ ભોગાવો નદીનાં કાંઠે જઇ એસીડ પી લેતા બેભાન થઇ ગયાં હતાં ત્યાર બાદ આ અંગે પરિવારજનોને જાણ થતાં રહિમભાઇને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં.આ બનાવ અંગે ભોગ બનનારે ચારેય શખ્સો વિરૂધ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા બિ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

કોની કોની પાસેથી કેટલી રકમ વ્યાજે લીધી.

૧-ઇમ્તીયાઝભાઇ દિવાન-રૂા.૧.૫૦ લાખ

૨-જાઇદ હાસમશા દિવાન-રૂા.૨૫,૦૦૦

૩-ઘનશ્યામસિંહ મોરી-રૂા.૨ લાખ

૪-ટુકી મહેબુબભાઇ-રૂા.૯૦,૦૦૦

પોલીસની વ્યાજખોરો વિરૂધ્ધની ઝુંબેશ માત્ર કાગળ પર 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અવારનવાર વ્યાજખોરોને ડામવા લોકદરબારનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ થતી હોય તેન વ્યાજખોરીનું દુષણ હજુ પણ જેમનું તેમ જોવા મળી રહ્યું છે અને અનેક પરિવારો આ વ્યાજના વિષચક્રમાં ફસાઇ રહ્યાં છે ત્યારે પોલીસ તંત્ર કાગળ પર નહીં પરંતુ નક્કર કામગીરી કરશે કે કેમ તે જોવું રહ્યું.


Google NewsGoogle News