ધ્રાંગધ્રામાં યુવકને લાકડીનો ઘા ઝીંકી ધમકી આપી
- ટ્રાન્સપોર્ટની ગાડી ભરવા બાબતે ત્રણ શખ્સોએ માર માર્યાની ફરિયાદ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાથે ગાડી ભરવા બાબતનું મનદુખ રાખી ત્રણ શખ્સોએ માથામાં લાકડીનો ઘા ઝીંકી દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે ધ્રાંગધ્રા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના લટુડા ગામે રહેતા કિશનભાઇ નિલેષભાઇ બારૈયા મોરબી મહેન્દ્રનગર ચોકડી ખાતે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે. કિશનભાઇ ધ્રાંગધ્રા ગુરૂકુળ પાસેથી બસ સ્ટેશન તરફ રિક્ષામાં બેસી જઇ રહ્યાં હતા.
તે દરમિયાન મહિપાલભાઇ મહેશભાઇ કલોત્રા, દેવરાજ મહેશભાઇ કલોત્રા અને વિશાલ લીંબાભાઇ આલ કારમાં ધસી આવ્યા હતાં અને કિશનભાઇને રિક્ષામાંથી નીચે ઉતારી અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા મહિપાલે તેમને માથાના ભાગે લાકડીનો ઘા ઝીંકી દીધો હતો.
તેમજ તું અમારી ગાડી તારા ટ્રાન્સપોર્ટમાં કેમ ભરવા દેતો નથી, હવે જો તુ તારા ટ્રાન્સપોર્ટમાં અમારી ગાડી નહીં ભરવા દે તો જાનથી મારી નાંખીશુ એવી ધમકી પણ આપી ત્રણેય શખ્સો નાસી છુટયા હતાં.
આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.