કઠાડામાં યુવકે માસી અને ભાઈ-બહેનને માર માર્યો
- મશ્કરીમાં અપશબ્દો બોલ્યાનું મનદુઃખ રાખી હુમલો
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના કઠાડા ગામે મશ્કરીમાં અપશબ્દો બોલવા બાબતનું મનદુઃખ રાખીને યુવકે તેના માસી, માસીના દીકરા અને માસીની દીકરીને માર માર્યો હતો. આ અંહે દસાડા પોલીસે તપાસ હાથ ધરી છે.
કઠાડા ગામે રહેતા મયુરભાઇ ખેમાભાઇ મકવાણા તળાવના નાળા પાસેથી પસાર થઇ રહ્યાં હતા. તે દરમિયાન તેમના માસીના દીકરા ઋત્વિકભાઇ નાગરભાઇ મકવાણા ત્યાં હાજર હતા. ત્યારે તેમની સાથે મજાક કરતા મજાક મજાકમાં ઋત્વિકભાઇને અપશબ્દો કહ્યા હતા.
જે બાબતનું મનદુઃખ રાખી મોડી રાત્રીના ઋત્વિકભાઇ લાકડી લઇ મયુરભાઇના ઘરે ધસી આવ્યો હતો અને મયુરભાઇ, તેની માતા નંદુબેન અને બહેન માલતીબેનને લાકડીના ઘા મારતા ઇજાઓ પહોંચી હતી.
જેમાં મયુરભાઇને વધુ ઇજાઓ પહોંચી હોવાથી ૧૦૮ માં સારવાર માટે દસાડા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં. આ અંગે દસાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.