સુરેન્દ્રનગરના મહાજનના પાલ વિસ્તારની મહિલાઓનો પાલિકા કચેરીએ હોબાળો
- થાળી-વેલણ વગાડી ઉગ્ર રજૂઆત કરી
- પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સંયુક્ત નગર૫ાલિકાના વોર્ડ નં.૪ માં આવેલા મહાજનના પાલ વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા હોવાની ફરિયાદ સાથે મહિલાઓ સહિતના સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે થાળી વેલણ વગાડી હલ્લાબોલ કર્યો હતો.
સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.૪ માં માઈ મંદિર રોડ પર આવેલા મહાજનના પાલ વિસ્તારમાં અંદાજે ૩૦થી વધુ પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રોડ, રસ્તા, પીવાનું પાણી, સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવતી ના હોવાની ફરિયાદો ઉઠી છે.
આ અંગે પાલિકામાં અગાઉ અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાઓનો ઉકેલ આવ્યો ના હોવાથી રોષે ભરાયેલાં સ્થાનિકો પાલિકા કચેરી ખાતે પહોંચ્યાં હતાં. મહિલાઓએ થાળી અને વેલણ વગાડી ઉગ્ર રજૂઆતો કરી હતી. દર વખતે ચૂંટણી સમયે રાજકીય આગેવાનો આ વિસ્તારમાં મત માંગવા આવે ત્યારે મોટી વાતો કરે છે પરંતુ ચૂંટણી જીત્યા બાદ સ્થાનિક સદસ્ય કે આગેવાનો આ વિસ્તારમાં દેખાતા ના હોવાના આક્ષપો કર્યા હતા.
તેમજ પાલિકા પ્રમુખનો જ આ વોર્ડ વિસ્તાર હોવા છતાં ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની માંગ કરી હતી. પાલિકા કચેરી ખાતે ચીફ ઓફીસર કે પાલિકા પ્રમુખ હાજર ન મળતા એન્જીનીયરને રજૂઆતો કરવામાં આવી હતી.
તેમજ આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.