સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન વધીને 45 ડિગ્રીએ પહોંચ્યું
- અસહ્ય તાપથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું
- આગઝરતી ગરમીમાં બપોરે બજારો અને રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે. શુક્રવારે જિલ્લામાં ૪૪.૭ ડિગ્રી તાપમાન નોંધાયા બાદ શનિવારે મહતમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચતા ઝાલાવાડવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
સતત બે દિવસથી આગ ઝરતી ગરમીના કારણે લોકો કામ વિના ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લખતર, ધ્રાંગધ્રા, મુળી, લીંબડી, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાં બપોરના સુમારે મુખ્ય બજારો, શેરીઓ સહિતના મુખ્યા માર્ગો સુમસામ બન્યા છે.
હાલમાં વેકેશન ચાલતું હોવાથી મોડી સાંજે તાપ ઓછો થતાં લોકો પોતાના બાળકો સાથે બહાર ફરવા નીકળી પડે છે. મોડી રાત્રી સુધી સૌ કોઇ ઠંડા પીણા, બરફના ગોળા, શરબત, સોડા પીવાનું અને ગરમીથી છુટકારો મેળવવા મથતા હોય છે.