પડતર પ્રશ્રોના મામલે આજે ઝાલાવાડના શિક્ષકો મતદાન કરી વિરોધ કરશે

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
પડતર પ્રશ્રોના મામલે આજે ઝાલાવાડના શિક્ષકો મતદાન કરી વિરોધ કરશે 1 - image


- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અંતર્ગત 

-  જુની પેન્શન યોજના રદ્દ કરવા સહિતના માગણીઓનો ઉકેલ નહીં આવતા શિક્ષકો અને કર્મચારીઓમાં આક્રોશ  

સુરેન્દ્રનગર : અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરીત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા છેલ્લા ઘણા સમયથી જુની પેન્શન યોજના (ઓપીએસ) સહિતની માંગો અંગે રજુઆતો સહિત આંદોલન કરવામાં આવી રહ્યું છે તેમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેમાં તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં મોટીસંખ્યામાં શિક્ષકો સહિત અલગ-અલગ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને અલગ-અલગ દિવસે વિવિધ કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજે તા.૬ માર્ચના રોજ રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો સહિતનાઓ મહામતદાન દ્વારા ગાંધીનગર સુધી રજુઆત પહોંચાડશે અને શિક્ષણ સહિતની કામગીરીથી અડગા રહેશે.

 રાજ્યભરના શિક્ષકો સાથે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકો સહિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સાથે જોડાયેજા ૭૫થી વધુ સંગઠનો પીજીવીસીએલ, એસટી વિભાગના રીટાર્યડ યુનિયનના કર્મચારીઓ તેમજ ૨૭થી વધુ સંગઠનો દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકાર સામે જુની પેન્શન યોજના લાગુ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન ચલાવી રહ્યાં છે તે અંગે કોઈ જ ઉકેલ ન આવતાં આજે શૈક્ષિક મહાસંઘ અંતર્ગત સુરેન્દ્રનગરના શિક્ષકો ચોક અને પેન ડાઉન કરી અનોખી રીતે વિરોધ કરશે. 

જેમાં શિક્ષકો સહિતનાઓ કોઈપણ જાતની ઓનલાઈન કામગીરી જેમ કે, એમડીએમ, શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીઓની હાજરી વગેરે નહિં પુરી કામગીરીથી અડગા રહેશે અને મહામતદાન કરશે જેમાં જીલ્લાના અલગ-અલગ સ્થળો ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 

ધ્રાંગધ્રા તરફ અપડાઉન કરનાર શિક્ષકો ટીબી હોસ્પીટલ ખાતે, મુળી, ચોટીલા, થાન, સાયલા તાલુકામાં અપ-ડાઉન કરનાર શિક્ષકો ત્રિમંદિર ખાતે, વઢવાણ તેમજ લખતર તાલુકામાં અપડાઉન કરનાર શિક્ષકો ૮૦ ફુટ રોડ પર નવરંગ સોસાયટી-૪ તેમજ શહેરની મધ્યમાં એન.ટી.એમ. સ્કુલના ગેઈટ પાસે મતદાન બુથમાં મતદાન કરશે. 

જેમાં પડતર માંગણીઓ લેખીત સ્વરૂપે મતપત્રમાં લખી નક્કી કરેલ ટીમને પહોંચતી કરશે જેનો સમય સવારે ૯-૦૦ થી ૧૦-૦૦ અને સાંજના ૫-૦૦ થી ૬-૦૦ રાખવામાં આવ્યો છે જ્યારે શિક્ષકો સહિતના કર્મચારીઓ કામગીરીથી અડગા રહી વિરોધ કરતા શિક્ષણ સહિતના ક્ષેત્રે તેની અસર પડશે.


Google NewsGoogle News