સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની કામગીરી અંગે તંત્ર મૌન

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરને ડબ્બે પુરવાની કામગીરી અંગે તંત્ર મૌન 1 - image


- હાઈકોર્ટની અનેક ફટકાર છતાં તંત્ર નિંભર

- સોસાયટી સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓથી પ્રજા તોબા પોકારી ગઇ છે, ત્યારે પાલિકા તંત્ર માત્ર રખડતા પશુઓને ડબ્બે પુરવા માટે કોન્ટ્રાક્ટ આપી સંતોષ માની લીધો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલા સમયમાં કેટલા પશુઓ પકડયા તે અંગે માહિતી આપવાની તસ્દી પણ ચીફ ઓફીસર લેતા નથી, જેને લઇને રખડતા પશુઓ પકડવાની કામગીરી માત્ર કાગળ પર દેખાડવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠયાં છે.

સુરેન્દ્રનગર શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર રખડતા પશુઓનો અડિંગો જોવા મળે છે. અવારનવાર પશુઓ બાખડતા લોકોને ઇજાઓ પહોંચવાના તેમજ મોતના બનાવો પણ બની ચુક્યા છે. શહેરના મોટી શાક માર્કેટ રોડ, રિવરફ્રન્ટ રોડ, ટાવરથી ટી.બી. હોસ્પિટલ રોડ, પતરાવાળી ચોક, આંબેડકર ચોકથી વાળીનાથ સર્કલ, રતનપર મેઇન રોડ પર પશુઓ અડિંગો જમાવી બેસે છે.

શહેરના રાધે ટેર્નામેન્ટ વિસ્તાર પાસે મુખ્ય માર્ગ પર એક આખલો વિફરતા આસપાસના દુકાનદારો અને રહિશોમાં ભય ફેલાયો હતો અને આખલાને ઝડપી પાડવાની માંગ કરી હતી.

ત્યારે સુરેન્દ્રનગર પાલિકા તંત્રએ રસ્તે રખડતા પશુઓને ડબ્બે પુરવા માટે કોન્ટ્રાક્ટ આપી દઈ કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હોય તેવુ લાગી રહ્યું છે. રખડતા પશુઓને ડબ્બે પુરવાની કામગીરી અંગે પાલિકાના ચીફ ઓફીસરને પુછતાં તેમણે કાંઇ પણ કહેવાનો ઇનકાર કરી દીધો હતો અને આની જવાબદારી સેનિટેશન વિભાગ અને કોન્ટ્રાક્ટર પર ઢોળી દઇ પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. 

અગાઉ રસ્તે રખડતા પશુઓ બાખડતા શહેરીજનોના મોતના પણ બનાવ બન્યા છે, ત્યારે નિંભર પાલિકા તંત્ર અને અધિકારીઓ આવી કોઇ ગંભીર દુર્ઘટનાની રાહ જોતુ હોય તેવા આક્ષેપો ઉઠયાં છે. પાલિકા તંત્ર પાસે પશુઓને ડબ્બે પુરવા માત્ર એક જ પીંજરૂ છે અને તેના દ્વારા કોન્ટ્રાક્ટર કેવી કામગીરી કરે છે તેની પણ માહિતી આપવા પાલિકા તંત્ર તૈયાર નથી. 

રસ્તે રખડતા પશુઓનો ત્રાસ દુર કરવા અવારનવાર હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ આ મામલે પાલિકાના ચીફ ઓફીસરને કડક કાર્યવાહી કરવા સુચના આપી હોવા છતાં પાલિકાના ચીફ ઓફીસર સહીતના અધિકારીઓ કમિશ્નર અને હાઇકોર્ટના આદેશને પણ ઘોળીને પી ગયા હોય તેવો રોષ શહેરીજનોએ ઠાલવ્યો હતો.


Google NewsGoogle News