સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ ફરજ સાથે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું
- કેન્સર પિડીત પીએસઆઇની મુલાકાત લઇ ખબર અંતર પુછી દિવાળીની શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગર : સામાન્ય રીતે પોલીસ અધિકારીની કડક છાપ લોકોની માનસીકતામાં રહેલી છે તેમજ ઉચ્ચપોલીસ અધિકારી સામે અન્ય પોલીસ કર્મચારીઓ બોલતા પણ અચકાય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડાએ ફરજ દરમ્યાન માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે અને કેન્સર પીડીત પીએસઆઈના ઘરે જઈ દિવાળીની શુભકામનાઓ પાઠવી ખબર અંતર પુછી એક પરિવારની જેમ લાગણીઓ દર્શાવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગંભીરસિંહ કાઠીયા કેન્સર જેવિક ગંભીર બિમારી સામે હાલ ઝઝુમી રહ્યાં છે ત્યારે તેમને અને પરિવારજનોને પ્રકાશના મહાપર્વ એવા દિવાળી પર્વની શુભેચ્છા આપવા ખુદ જિલ્લા પોલીસ વડા તેમના પત્નિ સાથે પીએસઆઇને ઘરે પહોચ્યા હતાં અને કેન્સર પિડીત પીએસઆઇ ગંભીરસિંહ કાઠીયાની રૂબરૂ મુલાકાત કરી તેમના ખબરઅંતર પુછયાં હતાં તેમજ દિવાળી પર્વની શુભેચ્છા પાઠવી હતી. તેમજ કેન્સરની બિમારી અંગેની સારવાર માટેની પણ પુછપરછ કરી હતી તેમજ પીએસઆઇ અને તેમના પરિવારજનોને તમામ મદદ કરવાની ખાત્રી આપી જિલ્લા પોલીસ વડાએ ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું હતું.