ચીરોડા (ઠાં)ના સરપંચને લોખંડના પાઈપથી માર માર્યો
- બે શખ્સોએ હુમલો કર્યો
- વિજિલન્સ ટીમને દારૂની બાતમી આપ્યાનું મનદુઃખ રાખી હુમલો કર્યાની ફરિયાદ
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના ચીરોડા(ઠાં) ગામના સરપંચે દારૂ અંગેની બાતમી વીજીલન્સ ટીમને આપ્યાનું મનદુઃખ રાખી ગામના જ બે શખ્સોએ લોંખડના પાઇપ વડે સરપંચ પર હુમલો કર્યો હતો. તેમજ સરપંચની કાર પર પાઇપના ઘા ઝીંકી નુકસાન પહોંચાડયા અંગેની ફરિયાદ નાની મોલડી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચીરોડા(ઠાં) ગામે રહેતા અને ગામના સરપંચ તરીકે ફરજ બજાવતા જેન્તીભાઇ રાઘવભાઇ ચૌહાણ સીમ તરફથી ગામ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ગાડી લઇ ધસી આવેલા જેન્તીભાઇ દેવશીભાઇ ચૌહાણ અને વિજયભાઇ લાખાભાઇ ચૌહાણે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.
જેમાં સરપંચને હાથની આંગળીના ભાગે ઇજા પહોંચી હતી. તેમજ ઉશ્કેરાયેલા બંને શખ્સોએ સરપંચની ગાડી પર પાઇપના આડેધડ ઘા ઝીંકી કારના કાચ તેમજ લાઇટ ફોડી નાંખી નુકસાન કર્યું હતું. આ મામલે સરપંચે નાની મોલડી પોલીસ મથકે જેન્તીભાઇ ચૌહાણ અને વિજયભાઇ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદમાં જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ જેન્તીભાઇ દેવશીભાઇ ચૌહાણ દેશી દારૂનું વેચાણ કરતા હોય તે સમયે સ્ટેટ વિજીલન્સ ટીમની રેડ પડી હોય સરપંચે બાતમી આપ્યાનું મનદુખ રાખી બન્ને શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.