Get The App

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ખખડધજ

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત સુધીનો રસ્તો ખખડધજ 1 - image


- મસમોટા ખાડાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી 

- અધિકારીઓ બિસ્માર રસ્તા પરથી પસાર થતાં હોવા છતાં આંખ આડા કાનથી શહેરીજનોમાં રોષ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત કોઝવે તરફ જતાં મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડાથી વાહનચાલકો તોબાપોકારી ગયાં છે. આ રસ્તા પર જ તમામ મુખ્ય કચેરીમાં આવેલી હોવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીથી જિલ્લા પંચાયત તરફ જતો મુખ્ય રસ્તો બિસ્માર બન્યો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર મસમોટા ખાડાઓથી વાહનચાલકો ત્રસ્ત બન્યા છે. આ રસ્તા પર જ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, નર્મદા વિભાગ સહીતની મુખ્ય કચેરીઓ આવેલી છે. તેમજ રિવરફ્રન્ટને જોડતો તથા રાજકોટ રોડને જોડતો આ મુખ્ય રસ્તો છે.

 ત્યારે આ રસ્તા પર સરકારી અનાજના ગોડાઉન પાસે અંદાજે એકથી બે ફૂટના મસમોટા ખાડાઓથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સુરેન્દ્રનગર શહેરમાં આવતી એસટી બસો તેમજ અન્ય મોટા અને ભારે વાહનો પણ અહીથી પસાર થાય છે. જેને લઇને વાહનોમાં પણ નુકસાન થતું હોવાનું વાહનચાલકો જણાવી રહ્યાં છે. જ્યારે રાત્રીના સમયે પસાર થતાં અજાણ્યા વાહનચાલકોને આ કમરતોડ ખાડાથી અકસ્માતનો પણ ભય રહે છે. 

માર્ગ મકાન વિભાગ સહીતની તમામ કચેરીના અધિકારીઓ આ જ રસ્તા પરથી પસાર થતાં હોવા છતાં તંત્ર દ્વારા રસ્તાનુ સમારકામ કે ખાડા બુરવાની કામગીરી ન કરવામાં આવતા તંત્રની કામગીરી સામે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર જાણે કોઇ અકસ્માત કે ગંભીર દુર્ઘટનાની રાહ જોતું હોય તેવા આક્ષેપો લગાવ્યા છે. 


Google NewsGoogle News