સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજથી જોરાવરનગરનો રસ્તો બિસ્માર

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજથી જોરાવરનગરનો રસ્તો બિસ્માર 1 - image


- એક વર્ષથી રસ્તો ખખડધજ

- જોરાવરનગર અને રતનપરને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સત્વરે ઉકેલની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજથી જોરાવરનગર તરફના કોઝવેને જોડતો રસ્તો બિસ્માર અને જર્જરિત બનતા વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર આર્ટ્સ કોલેજથી જોરાવરનગર કોઝવે તેમજ રિવરફ્રન્ટને જોડતો મુખ્ય રસ્તો છેલ્લા ૧ વર્ષ કરતા વધુ સમયથી બિસ્માર બનવા છતાં તંત્ર દ્વારા સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. 

આ રસ્તો જોરાવરનગર, રતનપરની ૪૦ હજારથી વધુ વસ્તીને સુરેન્દ્રનગર શહેર સાથે જોડતો મુખ્ય રસ્તો છે. તેમજ બસ સ્ટેશન, શાળાઓ, કોલેજ તેમજ આઇટીઆઇને અને શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલને જોડતો રસ્તો હોવાથી અહીથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થાય છે. 

આ રસ્તા પર મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ રાત્રીના સમયે પસાર થતાં અજાણ્યા વાહનચાલકોને અકસ્માતનો પણ ભય રહે છે. ત્યારે સત્વરે રસ્તાનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.



Google NewsGoogle News