ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી સરવાળ સુધીનો રસ્તો બિસ્માર
- અકસ્માતના બનાવો વધ્યા
- યોગ્ય ઉકેલ નહિં આવે તો લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ, રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાની ફરીયાદો ઉઠી રહી છે ત્યારે ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી ભારદ, રાજચરાડી સરવાળના રોડ બાબતે સ્થાનીકોએ તેમજ આગેવાનોએ અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં રોષ જોવા મળ્યો હતો.
તાજેતરમાં ધ્રાંગધ્રાના ભારદ અને રાજચરાડી રોડ પર અવ્યવસ્થીત રીપેરીંગની કામગીરીના કારણે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ લોકોમાં આ રસ્તાની કામગીરી અંગે રોષ જોવા મળી રહ્યો છે.
ભારદ અને રાજચરાડી વચ્ચે કોઈપણ જાતના આયોજન વગર રસ્તાનું રીપેરીંગકામ કરવામાં આવ્યું છે જેમાં રોડ રોલર વગર માત્ર ઠીગડા મારવામાં આવ્યા હોવાનું દેખાઈ આવે છે તેમજ રસ્તા પર ડામરના ઢગલા કર્યા હોય તે રીતે રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે.
આ રસ્તા બાબતે અનેક વખત ગ્રામજનો અને આગેવાનોએ તંત્રને રજુઆત કરી હતી અને યોગ્ય રીતે રસ્તાનું રીપેરીંગ કામ અથવા નવો રસ્તો બનાવવાની માંગ કરી હતી તેમજ આગામી ચુંટણી પહેલા રોડનું કામ શરૃ કરવામાં નહિં આવે તો આસપાસના આગેવાનો અને ગ્રામજનો દ્વારા લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.