સુરેન્દ્રનગરમાં આર્ટ્સ કોલેજથી રિવરફ્રન્ટ સુધીનો રસ્તો ખખડધજ
- સત્વરે રસ્તાના સમારકામની માંગ
- ઠેર ઠેર ખાડાઓના કારણે વાહનચાલકો પરેશાન, અકસ્માતનો ભય
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરની આર્ટ્સ કોલેજથી કોઝવે તરફ જતાં રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓથી વાહનચાલકો પરેશાન છે. ખખડધજ રસ્તાના લીધે અકસ્માતનો ભય હોવાથી વાહનચાલકોની મુશ્કેલીને ધ્યાને લઇ તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર શહેરના આર્ટ્સ કોલેજથી કોઝવે તેમજ રિવરફ્રન્ટને જોડતા મુખ્ય રસ્તા પર ખાડા પડતા વાહનચાલકો તોબા પોકારી ગયા છે. અંદાજે ૫૦૦ મિટરથી વધુના આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓના લીધે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નાના-મોટા વાહનોથી સતત ધમધમતા આ રસ્તા પર અંદાજે બે થી ત્રણ ફુટના ખાડાઓમાં વાહનો પટકાતાં વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. તેમજ અજાણ્યા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે.
ત્યારે વાહનચાલકોની હાલાકીને ધ્યાને લઇ તેમજ કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા સત્વરે રસ્તાનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.