સુરેન્દ્રનગરમાં રેલવે ઓવરબ્રિજનું અઠવાડિયામાં બીજી વખત સમારકામ કરાયું
- ચાર વર્ષ પહેલા કરોડોના ખર્ચે બનાવ્યો હતો
- ડામરના બદલે આરસીસી રોડની કામગીરી ચાલી રહી હોવાનો પાલિકાનો દાવો
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના જૂના જંકશન પાસે કરોડોના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ માત્ર ચાર વર્ષ જેટલા ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ પર ગાબડા તેમજ બેસી જવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં સતત બીજી વખત ઓવરબ્રિજ પર સમારકામ હાથ ધરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગરના જૂના જંકશન પાસે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પાલિકા તંત્ર દ્વારા વર્ષ ૨૦૧૯માં રેલવે વિભાગ સાથે સંકલન કરી અંદાજે રૂા.૪૪ કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવી તેનું તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ચાર વર્ષના ટુંકાગાળામાં આ ઓવરબ્રિજ પર ચારથી પાંચ વખત ગાબડા પડવાના બનાવો અગાઉ બની ચુક્યા છે. જેનું તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. તેવામાં ગત તા.૩૦ માર્ચના રોજ ઓવરબ્રિજનો એકતરફનો અંદાજે ૩ થી ૪ ફુટનો ભાગ બેસી જતા પાલિકા તંત્ર દ્વારા રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી.
તેવામાં એક અઠવાડિયામાં ફરી ઓવરબ્રિજ પર કુંથુનાથ દેરાસર તરફ જતા ફરી પાલિકા તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતાં શહેરીજનો રોષે ભરાયા છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ, હાલ જે જગ્યાએ રીપેરીંગ કામ કરવામાં આવી રહ્યું છે તે જ જગ્યાએ અગાઉ ગાબડું પડી ચુક્યું છે.
કરોડોના ખર્ચે બનાવેલા ઓવરબ્રિજ પર વારંવાર ગાબડા તેમજ અમુક ભાગ બેસી જવાના બનાવો વધ્યા છે, ત્યારે હલકી ગુણવત્તાની કામગીરી સામે લોકો રોષે ભરાયા છે. તેમજ કોઈ મોટી દુર્ધટના કે અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા ઓવરબ્રિજનું યોગ્ય અને કાયમી ટકી રહે તેવું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
જ્યારે આ અંગે પાલિકાના ચીફ ઓફીસર સાગરભાઈ રાડીયાનો સંપર્ક કરતા, ઓવરબ્રીજની ક્ષમતા અને ગુણવત્તા અંગેનું ટેસ્ટીંગ નિયમ અને ધારાધોરણ મુજબ કરવામાં આવ્યું છે અને ઓવરબ્રીજ સંપૂર્ણ રીતે સલામત અને મજબુત હોવાનું જણાવ્યું હતું અને હાલ જે રીપેરીંગ કામ ચાલી રહ્યું છે તે પણ વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે ડામરને બદલે આરસીસીના રોડની કામગીરી ચાલી રહી છે. જે રૂટીન પ્રક્રિયા હોવાનું જણાવ્યું હતું.