રાજચરાડી ગામની પ્રાથમિક શાળાને એસએમસી સભ્યો અને ગ્રામજનોએ તાળાબંધી કરી
- આચાર્ય દ્વારા ગેરવર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ
- આચાર્યની કાયમી બદલી નહીં કરાય ત્યાંસુધી શાળાને તાળાબંધી રાખવાની ચિમકી
સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી અને શાળાના આચાર્યની કાયમી ધોરણે બદલી કરવાની માંગ કરી હતી. તેમજ જ્યાં સુધી આચાર્યની કાયમી બદલીનો ઓર્ડર કરવામાં નહીં આવે ત્યાં સુધી તાળાબંધી રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.
રાજચરાડી ગામની પ્રાથમિક શાળામાં સ્પેશ્યલ આચાર્ય તરીકે નિમણુંક થયેલ જતીનકુમાર કાંતિલાલ પટેલ દ્વારા શાળા મેનેજમેન્ટ કમીટી (એસએમસી)ના સભ્યો તેમજ સરપંચ તથા ગામના લોકો સાથે અવાર-નવાર ગેરવર્તન કરવામાં આવતું હોવાના આક્ષેપ ઉઠયા છે. તેમજ શાળામાં આચાર્ય દ્વારા કોઈપણ કલાસ લેવામાં ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની અસર પડતી હોવાનો ગ્રામજનો અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે સરપંચ, એસએમસીના અધ્યક્ષ અને કમીટીના સભ્યો દ્વારા અનેક વખત જિલ્લા તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરી આચાર્ય જતીનકુમારની બદલી અન્ય શાળામાં કોઈપણ જગ્યાએ કરવાની લેખીત રજુઆત અને માંગ કરી હતી. તેમ છતાંય આજ દિવસ સુધી શિક્ષણ વિભાગ દ્વારા આચાર્યની બદલી કરવામાં આવી નથી.
તાજેતરમાં કામગીરી ફેરફાર અન્વયે આચાર્ય જતીનકુમારને ધ્રાંગધ્રા તાલુકાના નિમકનગર ગંજા ખાતે હંગામી ધોરણે કરવામાં આવતા રોષે ભરાયેલા ગ્રામજનો, આગેવાનો અને એસએમસીના સભ્યોએે રાજચરાડી પ્રાથમિક શાળાને તાળાબંધી કરી વિરોધ કર્યો હતો અને આચાર્યની કાયમી ધોરણે બદલી કરવાની માંગ કરી હતી. તેમજ જ્યાં સુધી આચાર્યની કાયમી બદલી કરવામાં નહિં આવે ત્યાં સુધી સ્કુલને તાળાબંધી રાખવાની ચિમકી ઉચ્ચારી હતી.
તેમજ આ અંગે ઉકેલ નહિં આવે તો શાળામાં અભ્યાસ કરતા અંદાજે ૩૦૦થી વધુ બાળકોના અભ્યાસ પર વિપરીત અસરની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવી પણ ચિમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.