હળવદ તાલુકાની સગીરાને અડપલા કરનાર શખ્સ પકડાયો
- હાઈસ્કૂલના ગેટ પાસે બોલાવી ટીકરના યુવાને બાઈક પર બેસી જવા જણાવી બિભત્સ માગણી પણ કરી
હળવદ : હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે શારીરિક અડપલાં કરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સગીરાની માતાએ ભાવિક મનસુખભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. હળવદ પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ પંથકમાં દિવસેને દિવસે અઘટીત ઘટનાઓ ના બનાવ વધી રહ્યા છે. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાને છેડતી કરી શારીરિક અડપલા કરવાનો તેમજ બિભત્સ માગણી કર્યાનો હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરાને એક યુવકે હાઈસ્કૂલના ગેટ પાસે બોલાવી તેનો હાથ પકડી મોટરસાઈકલમાં બેસી જા તેમ કહી શારીરિક અડપલા કરી તેમજ બિભત્સ માગણી કરી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી શખ્સ ભાવિક મનસુખભાઈ દલવાડી (રહે. ટીકર) સામે પોકસો હેઠળ ગુનો નોંધાતા ફરિયાદના આધારે આરોપીને ઝડપી લીધો હતો. આ ઘટનાની હળદ પોલીસના પીઆઇ એમ.વી. પટેલ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.