ચોટીલા ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી જનાર શખ્સ ઝડપાયો
- સાંગોઈના શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાઈ
- ગુનામાં મદદગારી કરનાર યુવકના માતા-પિતાને પણ ઝડપી પાડયા
સુરેન્દ્રનગર : ચોટીલા તાલુકાના એક ગામમાંથી સગીરાને લલચાવી લગ્નની લાલચ આપી ભગાડી જનાર શખ્સ સહિત તેને મદદગારી કરનાર શખ્સોને ચોટીલા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાંથી સગીરાને સાયલાના સાંગોઈ ગામે રહેતો શખ્સ રોહીતભાઈ રણછોડભાઈ ઉર્ફે તખુભાઈ શેખ પ્રેમસંબધમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
જે મામલે સગીરાની માતાએ ગત તા.૧૪ જાન્યુઆરીના રોજ ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી ભોગ બનનાર સગીરા સહિત આરોપી રોહીતભાઈને ઝડપી પાડયો હતો અને આગવી ઢબે પુછપરછ કરતા સગીરાને ભગાડી જવામાં આરોપીના માતા-પિતાએ પણ મદદગારી કરી હોવાનું બહાર આવ્યું હતું.
જેથી બાતમીના આધારે આ ગુનામાં મદદગારી કરનાર આરોપીના પિતા રણછોડભાઈ ઉર્ફે તખુભાઈ મેરાભાઈ શેખ અને માતા હંસાબેનને પણ ઝડપી લીધા હતા. પોલીસે ત્રણેય શખ્સોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.