મુળીના લિયામાં પિતાના આડાસબંધ મામલે સમજાવવા ગયેલા પુત્રની હત્યા
- પિતાના આડાસબંધે પુત્રનો ભોગ લીધો
- સરાના શખ્સને 10 વર્ષથી લિયાની પરીણિતા સાથે સબંધ હતો : પિતાને સમજાવવા ગયેલા બે પુત્રો પર પાંચ શખ્સોએ હુમલો કર્યો હતો : હત્યાના ગુનામાં પોલીસે પાંચેયની ધરપકડ કરી
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના લીયા ગામે પિતાના પ્રેમસબંધ બાબતે સમજાવવા ગયેલા બે પુત્રો પર તિક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા એક પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જે મામલે મુળી પોલીસે બે મહિલાસહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મુળી તાલુકાના સરા ગામે રહેતા અને ગેરેજનો ધંધો કરતા સમીરભાઈ ગનીભાઈ મુલતાનીના પિતા ગનીભાઈ અલીભાઈ મુલતાનીને છેલ્લા ૧૦ વર્ષથી લીયા ગામે રહેતી પરીણિતા ધુનીબેન કાળુભાઈ વનાણી સાથે પ્રેમસબંધ હોવાથી વધુ સમય તેઓ લીયા ગામે ધુનીબેનના ઘરે રહેતા હતા.
આ અંગે સમીરભાઈ અને તેનો ભાઈ અવાર-નવાર તેમના પિતા, ધુનીબેનને સબંધ ના રાખવા સમજાવતા હતા, પરંતુ પરિવારજનોની વાત નહીં માની તેમણે પ્રેમસબંધ શરૂ રાખ્યો હતો. દરમિયાન ગનીભાઈ રાત્રીના બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. જે બાબતે સમીર અને તેમના ભાઈ સોહિલને શંકા જતા ધુનીબેનના દીકરા સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં બોલાચાલી પણ થઈ હતી.
આથી બંને ભાઈઓ બાઈક લઈને સરાથી લીયા ગયા હતા. જ્યાં રાત્રે પિતાનું બાઈક ધુનીબેનના ઘરના ફળીયામાં પડયું હોવાથી તે મામલે પુછપરછ કરતા ધુનીબેનના દીકરાઓ શક્તિભાઈ, વિક્રમભાઈ, દીકરી કાજલબેન, કાળુભાઈ સહિતનાઓએ બોલાચાલી અપશબ્દો બોલી બંને ભાઈઓને ઘરની બહાર કાઢી મુકી છુટ્ટા પથ્થરોના ઘા માર્યા હતા.
તેમજ બુઠ્ઠી કુહાડી, ધોકો, પાવડાનો હાથો, લોખંડનો પાઈપ વગેરે તિક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકતા સમીરને માથામાં તેમજ ગળાના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે સોહિલને માથામાં તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે મુળી સરકારી હોસ્પીટલે લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર મળે તે પહેલા જ ફરજ પરના ડોક્ટરે સોહિલને મૃત જાહેર કરતા મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો હતો. આ અંગે સમીરભાઈ મુલતાનીએ મુળી પોલીસ મથકે કાળુભાઈ ખોડાભાઈ વનાણી, ધુનીબેન કાળુભાઈ વનાણી, શક્તિભાઈ કાળુભાઈ વનાણી, વિક્રમભાઈ કાળુભાઈ વનાણી અને કાજલબેન કાળુભાઈ વનાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે મોડી સાંજે તમામ આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.