લીંબડીના વનાળા ગામ તરફ આવેલી માઈનોર કેનાલ જર્જરિત
- અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવા ખેડૂતની માંગ
- બિનઉપયોગી કેનાલના કારણે ખેડૂતોના પાકને નુકશાન જતાં હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલ દ્વારા ખેડુતો સીંચાઈ માટે પાણી મેળવી વાવેતર કરી સમૃધ્ધ બન્યા છે તો બીજી બાજુ અમુક કેનાલો બીનઉપયોગી તેમજ જર્જરીત હાલતમાં હોવાથી ખેડુતોના વાવેતર સહિત જમીનને નુકશાન પહોંચાડી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે હાલ ભાવનગર રહેતા અને લીંબડીના વનાળા ગામ તરફ જવના રસ્તે ખેતર ધરાવતા ખેડુતે નુકશાની અંગે નર્મદા વિભાગના અધિકારીને લેખીત રજુઆત કરી છે.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ અરજદાર મહેન્દ્રસિંહ દિલુભા રાણાના વનાળા ગામના રસ્તે આવેલ સર્વે નં.૨૨૬માં ખેતરમાંથી નર્મદા વિભાગની ભોયકા માઈનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલ છેલ્લા ૧૨ વર્ષથી જર્જરીત હાલતમાં તેમજ બિનઉપયોગી પડી હોવાથી મહેન્દ્રસિંહ સહિત આસપાસના અનેક ખેતરોના પાક પર પાણી ફરી વળતા પાક દર વર્ષે નિષ્ફળ જાય છે. આમ જર્જરીત કેનાલ દ્વારા લાખો રૂપિયાનું નુકશાન થઈ રહ્યું છે. આથી તુટક તુટક પાળો હટાવી લઈ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન નાંખવામાં આવે તો ખેડુતોને થતું નુકશાન અટકી શકે તેમ છે. આગામી ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તાત્કાલીક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડુતોએ માંગ કરી હતી અને નર્મદા વિભાગના અધિકારીને લેખીત રજુઆત કરી છે.