વઢવાણમાં પીવાના પાણી મામલે લોકોના વિરોધ બાદ મામલો થાળે પડયો

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
વઢવાણમાં પીવાના પાણી મામલે લોકોના વિરોધ બાદ મામલો થાળે પડયો 1 - image


- લોકો રાતે રોડ પર બેસી જતા પાલિકાના સત્તાધિશો દોડતા થયા

- પીવાના પાણીને લઈ અનેક વખત રજૂઆત છતાં નિરાકરણ ના આવતા રહિશોમાં આક્રોશ

સુરેન્દ્રનગર : વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારના લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધાઓથી વંચીત છે જેમાં છેલ્લા થોડા દિવસથી પીવાનું પાણી પુરતુ નહિં મળતા આ વિસ્તારના લોકોએ શુક્રવારને રાત્રે બાયપાસ રોડ ચક્કાજામ કર્યો હતો અને આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો અને પાલીકાની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાલિકાએ નિયમિત અને પૂરતું પાણી આપવાની હૈયાધારણા આપતા મામલો થાળે પડયો હતો. 

સુરેન્દ્રનગર અને વઢવાણ બન્ને વર્ષોથી અલગ-અલગ નગરપાલિકાઓ હતી અઢી વર્ષ અગાઉ આ બન્ને નગરપાલિકાઓને સંયુક્ત નગરપાલિકા જાહેર કરાઈ હતી પરંતુ વઢવાણ શહેરમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે,વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારના લોકો રસ્તા, પીવાનું પાણી, ગટર, વિજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ બાબતે અવાર-નવાર રજુઆતો કરે છે પરંતુ પાલિકાના સત્તાધીશોના બહેરા કાને અથડાઈને આ રજુઆતો જાણે પરત ફરતી હોય તેમ કોઈ કામો થતા નથી. ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી અપુરતું આવતું હોવાથી પાલિકા દ્વારા ટેન્કરો તો દોડાવાય છે. પરંતુ આ ટેન્કરો પણ પુરતા હોતા નથી અનેકવાર આ વિસ્તારના સુધરાઈ સભ્યો અને પાલિકાના નિંભર સત્તાધિશોને રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં અંતે શુક્રવારે રાત્રે આ વિસ્તારના લોકોએ વઢવાણ બાયપાસ રોડ ચક્કાજામ કર્યો હતો. આ વિસ્તારના યુવાનો અને મહિલાઓ રસ્તા પર બેસી ગયા હતાં અને અમને પુરતું પાણી આપો જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. ચક્કાજામને લઈને બન્ને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. આ અંગેની વઢવાણ પોલીસ અને પાલીકાને જાણ થતાં તેઓ દોડી ગયા હતાં. પાલિકાના સત્તાધિશોએ રોષે ભરાયેલા આ વિસ્તારના લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતાં અને તેઓને ઝડપથી નિયમતી અને પુરતુ પીવાનું પાણી મળે તેવી ખાત્રી મળતા અંતે ચક્કાજામનો સુખદ અંત આવ્યો હતો.


Google NewsGoogle News