ખંપાળિયામાં શ્રમિકોના મોત મામલાનો મુખ્ય આરોપી હજૂ પણ પોલીસ પકડથી દૂર
- સત્વરે ઝડપી લેવા માંગ
- ફરિયાદ નોંધાવ્યાને 20 દિવસ વિત્યા છતાં આરોપી ના પકડાતા જિલ્લા કલેક્ટરને રજૂઆત
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખંપાળિયા ગામની સીમમાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવામાં ગત જાન્યુઆરી મહિનામાં ભેખડ ઘસી પડતા ત્રણ શ્રમિકોના મોતનો બનાવ બન્યો હતો. જે મામલે મુળી પોલીસ મથકે ભોગ બનનારના પરિવાર જને જમીન માલિક સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને ૨૦ દિવસ જેટલો સમય વિતિ ગયો હોવા છતાં મુખ્ય આરોપી ન ઝડપાતા આ મામલે જિલ્લા કલેકટરને રજૂઆત કરી આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરી છે.
ખંપાળિયા ગામની સીમમાં આવેલા દેવસીભાઈની માલિકીના ખેતરમાં ફરિયાદી અનિલભાઈ ગુલાભાઈ ખરાડ (રહે.દાહોદ) સહિત અન્ય ચાર પરપ્રાંતિય શ્રમિકોને માલિકે હેલ્મેટ કે સુરક્ષા અને સાધનો આપ્યા વગર કુવો ખોદવા માટે મજૂરીએ રાખ્યા હતા અને કુવાનું ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ભેખડ ઘસી પડતા ત્રણ શ્રમિકો કાળીબેન સુરેશભાઈ ડામોર, સુરેશભાઈ ભુરજીભાઈ ડામોર અને જયલાભાઈ વાળાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યાં હતાં.
જે અંગે ગત તા.૩૦ જાન્યુઆરીના રોજ મુળી પોલીસ મથકે પાંચ શખ્સો દેવસીભાઈ (જમીન માલીક, રહે.ગઢડા), શામજીભાઈ ધીરૂભાઈ જેજરીયા, જનકભાઈ કેશાભાઈ પરમાર, કિશોરભાઈ હેમુભાઈ બાવળિયા (તમામ રહે.ખંપાળિયા) અને દિનેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને અંદાજે ૨૦ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય આરોપી શામજીભાઈ ઝેઝરીયાને ઝડપી પાડવામાં ન આવતાં જિલ્લા કલેકટરને ફરિયાદીએ લેખીત રજૂઆત કરી હતી અને મુખ્ય આરોપીને ઝડપી પાડી કડક સજા આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.