સુરેન્દ્રનગરમાં નર્કાગાર જેવી પરિસ્થિતિથી સ્થાનિક રહીશો ત્રાહિમામ
- પ્રશ્ન નહીં ઉકલે તો ચૂંટાયેલા સભ્યોનો વિરોધ કરાશે
- વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ધર્મચક્ર ફલેટ નજીક કાદવ-કિચડ અને ગંદકીની ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરનાં અનેક વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ થયા બાદ પાણીનો નિકાલ નહીં થતા કાદવ-કિચડ અને ગંદકીની ફરિયાદો ઉઠી છે. શહેરના ૮૦ ફુટ રોડ ઉપર વિરા હોટલ પાસે આવેલા ધર્મચક્ર અને ધર્મકુળ એપાર્ટમેન્ટ પાસેના રોડ ઉપર નર્કાગાર જેવી સ્થિતિથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. પ્રશ્ન હલ નહીં થાય તો ચૂંટાયેલા સ્થાનિક સભ્યોનો વિરોધ કરવા લોકો તત્પર બન્યા છે.
શહેરની વિરા હોટલ (ઓવરબ્રીજ ઉતરતા) પાસે ધર્મચક્ર અને ધર્મકુળ એપાર્ટમેન્ટ નજીકે છેલ્લા ઘણા દિવસોથી અતિશય દુર્ગંધ મારતી ગંદકી અને ઉભરાતી ગટરોને કારણે રહીશોને પારાવાર ત્રાસ અનુભવી રહ્યાં છે. લોકોને અવરજવર કરવી મુશ્કેલી બની છે. ખેદ જનક બાબત એ છે કે, આ વિસ્તારનાં રહીશોએ અવાર નવાર આ વોર્ડના ચૂંટાયેલા સદસ્યો સહિત નગરપાલિકાનાં સત્તાધીશોને રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆત બહેરા કાને અથડાતી હોય તેમ કોઈજ પગલા ભરવામાં આવતા નથી. અહીંની નર્કાગાર જેવી સ્થિતિને કારણેે રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી લોકો ફફડી રહ્યાં છે. લોકોને દેરાસર અને મંદિરે દર્શન કરવા જવું હોય કે બજારમાં ખરીદી કરવા જવું હોય, બાળકોને શાળાએ લેવા મુકવા જવામાં મુશ્કેલી પડે છે. નગરપાલિકા તંત્ર આ બાબતની ગંભીરતા સમજી વહેલી તકે પગલા લે તેવી રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે.