લખતરના માલીકા ગામનાં પ્રવેશ દ્વારે ગંદકીનું સામ્રાજ્ય
- વિદ્યાર્થીઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર : મત માગવા ગયેલા નેતાઓ સમસ્યા ઉકેલે તેવી માંગ
સુરેન્દ્રનગર : લખતર તાલુકાનાં માલીકા ગામે પ્રવેશદ્વાર આગળ જ પાણીના નિકાલના અભાવે ભર શિયાળે પાણીના ખાડા ભરાઈ રહેતા હોવાથી અને કાદવ કિચડથી ગ્રામજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. વિદ્યાર્થીઓને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડતું હોવાથી પારાવાર પરેશાની વેઠી રહ્યાં છે.
લખતર તાલકાનાં અનેક ગામમાં વિકાસ કામો નહીં થતાં પ્રાથમિક સુવિધાનાં અભાવને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળે છે. લખતર તાલુકાનાં માલીકા ગામનાં પ્રવેશ દ્વારે જ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી મુખ્ય ગેટ પાસે પાણીનાં ખાડા ભરાઈ રહે છે અને કાદચ કિચડ થાય છે. શાળાએ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને આ ગંદાપાણીમાંથી પસાર થવું પડે છે.
ગ્રામજનોએ અનેકવાર સરપંચ તેમજ ડેલીગેટને રજુઆત કરી છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા જાગૃત નાગરીકે આ સમસ્યાનાં વિડીયો બનાવી વાયરલ કર્યો છે. મત લઈ ગયેલા નેતાઓ આ સમસ્યા દુર કરવા રસ દાખવે તેવી ગ્રામજનો અને વિદ્યાર્થીઓની માંગ છે.