સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 14 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગર લોકસભા બેઠકના 14 ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો થશે 1 - image


- એમ.પી.શાહ આર્ટ્સ કોલેજમાં આજે મતગણતરી હાથ ધરાશે 

- 156 રાઉન્ડમાં 98 ટેબલો પર મતગણતરી કરાશે : 1500 થી વધુ કર્મચારીઓ મતગણતરીમાં જોડાશે 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી માટે ગત તા.૭ મે ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં સરેરાશ ૫૫ ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. તમામ ઈવીએમને સુરેન્દ્રનગર સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે મંગળવારે શહેરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સવારે ૮ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે અને બપોર સુધીમાં ૧૪ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે. 

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો દ્વારા અંતિમ દિવસોમાં ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભાજપ દ્વારા ચુ.કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને તેમજ કોંગ્રેસ દ્વારા તળપદા કોળી સમાજમાંથી ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. 

ક્ષત્રિય સમાજના આંદોલન અને કોળી સમાજની નારાજગી વચ્ચે ગત તા.૭ મે ના રોજ મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં લોકસભા બેઠક માટે નોંધાયેલા કુલ ૨૦.૩૩ લાખ મતદાર પૈકી ૬.૩૨ લાખ પુરૂષ મતદારો અને ૪.૦૮ લાખ મહિલા મતદારો તેમજ ૬ અન્ય મતદારો મળી કુલ ૧૧.૨૦ લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ ૫૫.૦૯ ટકા મતદાન નોંધાયું હતું. ભાજપ અને કોંગ્રેસ સહિત ૧૪ ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થયા હતા. 

તમામ ઈવીએમને ચૂંટણી પ્રક્રિયા બાદ સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ આજે મંગળવારે સવારના ૮ વાગ્યાથી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થશે. મતગણતરી દરમિયાન અંદાજે ૧,૫૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.

પારદર્શક રીતે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સ્ટ્રોંગ રૂમ સહિત આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને બપોર સુધીમાં સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર હાર અને જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

જિલ્લા વહિવટી તંત્ર તેમજ ચૂંટણી વિભાગ દ્વારા મતગણતરીને ધ્યાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતગણતરીમાં લોકસભામાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠકો માટે દરેક વિધાનસભા દીઠ ૧૪ ટેબલ, ઈવીએમની મતગણતરી માટે મુકવામાં આવશે. તેમજ અલગથી ત્રણ ટેબલ પોસ્ટલ બેલેટ માટે મુકવામાં આવશે. કુલ ૨,૧૩૬ મતદાન મથકો માટે ૯૮ ટેબલો પર ૧૫૬ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે. 

દસાડા વિધાનસભાના ૨૯૪ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૧ રાઉન્ડ, લીંબડી વિધાનસભાના ૩૧૯ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૩ રાઉન્ડ, વઢવાણ વિધાનસભાના ૨૮૧ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૧ રાઉન્ડ, ચોટીલા વિધાનસભાના ૨૯૮ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૨ રાઉન્ડ, ધ્રાંગધ્રા વિધાનસભાના ૩૨૫ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૪ રાઉન્ડ, વિરમગામ વિધાનસભાના ૩૩૬ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૪ રાઉન્ડ, ધંધુકા વિધાનસભાના ૨૮૩ મતદાન મથકો પર ૧૪ ટેબલ ઉપર ૨૧ રાઉન્ડ મળી કુલ ૧૫૬ રાઉન્ડમાં મતગણતરી ૯૮ ટેબલો પર હાથ ધરાશે.


Google NewsGoogle News