સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતોએ ખેતરોમાં થયેલ નુકશાન અંગે ઉગ્ર રજુઆત કરી
- ખેરાળી રોડ પરથી થાળી વેલણ વગાડી નુકશાન થયેલ પાકના છોડ સાથે કરી રજુઆત
- ખેતરો સુધી જઈ ઝડપી અને સાચો સર્વે કરવાની ખેડુતોની માંગ
- મુળી, ચોટીલા, થાન સહિતના તમામ તાલુકાના ખેડુતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં
- એસ.ડી.આર.એફ. યોજના હેઠળ મળતું વળતર વધારવાની પણ માંગ કરી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં પડેલ ભારે વરસાદને પગલે જીલ્લાના મોટાભાગે તમામ તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા નુકશાન પહોચ્યું છે ત્યારે તંત્ર અને સરકાર દ્વારા નુકશાની અંગે સાચો અને ઝડપી સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ સાથે જીલ્લાભરના ખેડુતો અને આગેવાનોને થાળી વેલણ વગાડી તેમજ બળેલા પાકના છોડ સાથે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં તાજેતરમાં થોડા દિવસો પહેલા માત્ર પાંચ દિવસમાં જ સરેરાશ અંદાજે ૨૦ ઈંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. જેને કારણે જીલ્લાના ચોટીલા, મૂળી, થાન તાલુકા સહિત અન્ય તાલુકાના ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતાં મહામહેનતે કરેલ કપાસ, મગફળી, અડદ સહિતના પાકો સંપૂર્ણ ધોવાઈ જતા મોટા પાયે નુકશાન પહોચ્યું છે. મોંઘાદાટ બિયારણો અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ વાવેતર કર્યું હતું પરંતુ વરસાદને કારણે નુકશાન જતા હાલત કફોડી બની છે. ત્યારે તંત્ર અને સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં ખેડૂતોના ખેતરો સુધી જઈ નુકશાની અંગે સાચો સર્વે હાથ ધરી પૂરતું વળતર ચુકવવાની માંગ સાથે ખેરાળી રોડ પર થી વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે થાળી વેલણ વગાડી અને નુકશાન થયેલ બળી ગયેલા પાકના છોડ સાથે બહુમાળી ભવન ખાતે જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને નુકશાની અંગે વળતર ચૂકવવાની ઉગ્ર માંગ કરી હતી. આ તકે જીલ્લાના મૂળી, ચોટીલા, થાન સહિતના તાલુકાના ખેડુતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની એસડીઆરએફ યોજના અંતર્ગત હાલ ખેડૂતોને પ્રતિ હેકટર દીઠ નુકશાની પેટે રૃા.૨૦,૦૦૦ જેટલી સહાય ચૂકવવામાં આવે છે તે સહાયમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. તેમજ આ અંગે જો યોગ્ય ઉકેલ નહિ આવે તો આગામી દિવસોમાં જીલ્લાભરના ખેડુતો એકત્ર થઈ સરકાર સામે ઉગ્ર આંદોલન અને લડત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે ખેડુત આગેવાનો રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, કમલેશ કોટેચા, સતીષ ગમારા, દેવકરણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને જીલ્લા ખેતીવાડી અધિકારીને ખેડુતોને થયેલ નુકશાન અંગે ખેતરો સુધી જઈ સર્વે કરી વળતર ચુકવવાની ઉગ્ર રજુઆત કરી હતી.