કર્મચારીઓના પરિવારજનો અને આગેવાનોએ ડીએસપી અને કલેક્ટરને રજૂઆત કરી
- બજાણા પોલીસ કર્મચારીઓ સામેની ફરિયાદના મામલે
- પોલીસની ખેંચતાણ અને રાગદ્વેષના કારણે ખોટી ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના બજાણા, પાટડી, દસાડા અને ઝીંઝુવાડા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરે તે પહેલા જ બજાણા પોલીસ મથકના ત્રણ કર્મચારીઓ અને એક જીઆરડી જવાન સહિત ચાર જેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા પોલીસની નજક ચુકવી ઈંગ્લીશ દારૂના જથ્થાનો સગેવગે કરે તે પહેલા જ પોલીસે ઝડપી પાડી તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી. જે મામલે ભોગ બનનાર પોલીસ કર્મચારીઓના પરિવારજનો અને સમાજના આગેવાનોએ જીલ્લા કલેકટર તેમજ ડીએસપી કચેરી ખાતે લેખીત રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.
આ અંગે રજૂ આતમાં જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલા બજાણા પીએસઆઈએ સ્થાનીક પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ ક્રિપાલસિંહ ચાવડા, ભાવેશભાઈ રાવલ, ગોવિંદભાઈ મયાભાઈ તેમજ જીઆરડી જવાન યોગેશભાઈ મેરાણી વિરૂધ્ધ પોલીસની નજર ચુકવીને પાટડી પોલીસ લાઈનના કંમ્પાઉન્ડમાં રાખેલ ડમ્પર અને આઈશર તેમજ કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો સગેવગે કરવાની ફરિયાદ નોંધાવી હતી. જેના ભાગરૂપે ભોગ બનનાર પોલીસ કર્મચારીઓના પરિવારજનોએ રજૂઆત કરી હતી. જેમાં પોલીસ વિભાગની અંદરો-અંદરની ખેંચતાણ અને રાગદ્વેષના કારણે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો તેમજ પોલીસ કર્મચારીઓ નિર્દોષ હોવા છતાં ઈરાદાપૂર્વક ફસાવી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ ઉપરાંત દારૂ ભરવાની કામગીરી દરમિયાન બજાણા પીએસઆઈ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ હાજર હોવા છતાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી તેમ પણ જણાવ્યું હતું. તેમજ સ્થાનીક પીએસઆઈ અને એલસીબીના કર્મચારી દ્વારા ખોટી રીતે રોફ જમાવવા પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ મામલે ન્યાયીક તપાસ કરવાની માંગ કરી હતી. તેમજ આગામી દિવસોમાં જો ન્યાય નહિં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ તકે મોટીસંખ્યામાં પરિવારજનો સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.