Get The App

વઢવાણના નવા દરવાજા પાસે યુવતીની લાશ હાઇવે પર મૂકી ચક્કજામ કરાયો

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
વઢવાણના નવા દરવાજા પાસે યુવતીની લાશ હાઇવે પર મૂકી ચક્કજામ કરાયો 1 - image


- સુરેન્દ્રનગરના દૂધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી યુવક- યુવતીની લાશ મળી હતી 

- યુવતીને યુવક સાથે ઘરેથી ભગાડી જવામાં મદદ કરનાર અને ધમકી આપનાર શખ્સ સામે કાર્યવાહીની માંગ સાથે પોલીસની કામગીરીનો પણ વિરોધ  કરાયો  

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલા પમ્પિંગ સ્ટેશન નજીકથી પ્રેમી-પંખીડાની કોહવાય  ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં બન્ને મૃતકોની લાશ કોહવાય ગયેલી હાલતમાં હોવાથી પેનલ પીએમ અર્થે રાજકોટ મોકલવામાં આવી હતી ત્યારે રાજકોટથી પેનલ પીએમ કરી પરત આવ્યા બાદ મૃતક યુવતી (પ્રેમીકા)ના પરિવારજનો તેમજ ઠાકોર સમાજના લોકોએ વઢવાણ-લીંબડી રોડ પર યુવતીની લાશને રસ્તા વચ્ચે રાખી ચક્કાજામ કર્યો હતો. જેને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

 વઢવાણ દુધની ડેરી પાછળ આવેલા વિસ્તારમાં રહેતા યુવક હર્ષદ સીતાપરા અને વઢવાણના નવા દરવાજા વિસ્તારમાં રહેતી યુવતી લક્ષ્મી નંદીયાણીયા વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને બન્ને પરિવારજનોથી છુપાઈને મળતા હતા પરંતુ બન્નેના પરિવારજનોને આ પ્રેમસબંધ મંજુર ન હોય યુવતીની સગાઈ પણ કરી દેવામાં આવી હતી. જ્યારે સમાજ તેમજ બન્નેના પરિવારજનો એક નહિં થવા દે એવી બીકથી બન્ને પ્રેમીપંખીડા થોડા દિવસો પહેલા ઘરેથી ચાલ્યા ગયા હતા અને બે દિવસ પહેલા બન્નેની દુપટ્ટો બાંધેલી હાલતમાં દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલ પમ્પિંગ સ્ટેશન નજીકથી આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે અંગેની જાણ આસપાસના લોકોએ પાલીકાની ફાયર ફાયટર ટીમને કરતાં ઘટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડાની લાશને બહાર કાઢી પીએમ અર્થે સુરેન્દ્રનગર સરકારી હોસ્પીટલ ખાતે મોકલવામાં આવી હતી.પરંતુ કોહવાય ગયેલી હાલતમાં લાશ હોવાથી પેનલ પીએમ અર્થે રાજકોટ હોસ્પીટલ ખાતે મોકલવામાં આવી હતી અને પેનલ પીએમ બાદ રાજકોટથી મૃતક યુવતીના પરિવારજનોએ લાશને વઢવાણ લીંબડી રોડ પર નવા દરવાજા પાસે રસ્તા પર રાખી દીધી હતી અને ચક્કાજામ કર્યો હતો. 

જેને પગલે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે આ બનાવની જાણ થતાં વઢવાણ પોલીસ કાફલો તેમજ ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને મૃતક યુવતીના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો હાથધર્યા હતાં. જ્યારે થોડા સમયની સમજાવટ બાદ અને પોલીસે કાર્યવાહીની ખાત્રી આપતા યુવતીના પરિવારજનોએ લાશને સ્વીકારી અંતિમવિધિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જોરાવરનગર પોલીસ મથક દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરતા ભોગ બનનારને ડીએસપી કચેરી સુધી લાંબુ થયું પડયું હતું ત્યારે વઢવાણ પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. 

વઢવાણ પોલીસને જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ

મૃતક યુવતીના પરિવારજનો અને મંગેતરને અવાર-નવાર એક શખ્સ દ્વારા ટેલીફોનીક ધમકી આપવામાં આવતી હતી જે અંગે વઢવાણ પોલીસ મથકે જાણ કરી હોવા છતાં કોઈ જ ગંભીરતા ન દાખવી પોલીસની નિષ્ક્રિયતા સામે રોષ દાખવ્યો હતો અને પ્રેમી પંખીડાને ઘરેથી ભગાડવામાં મદદ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરવાની માંગ કરી હતી.

રેન્જ આઈજીની ટકોર બાદ પણ સ્થાનિક પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આનાકાનીનો આક્ષેપ

તાજેતરમાં વાર્ષિક ઈન્સ્પેકશન અર્થે આવેલા રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે લોકોને સામે આવી ડર રાખ્યા વગર ગુન્હાઓ અંગે ફરિયાદ કરવા અપીલ કરી હતી પરંતુ જોરાવરનગર પોલીસની વિવાદાસ્પદ કામગીરી બાદ હવે વઢવાણ પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધતા એક પરિવારને દિકરી ગુમાવવાનો વારો આવ્યો હતો અને ન્યાય માટે રઝળપાટ કરવી પડી હતી.


Google NewsGoogle News