ચોટીલા અને થાન તાલુકામાં પાણીની સમસ્યા હોવાનું મુખ્યમંત્રીએ આડકતરું સ્વીકાર્યું
- સરોડી ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દરમિયાન
- પાણીના કામોનું ટેન્ડર મંજૂર કર્યું હોવાનો દાવો : 83 બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો
સુરેન્દ્રનગર : કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે થાન તાલુકાના સરોડી ગામે મુખ્યમંત્રીએ ૮૩ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ચોટીલા અને થાન તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાઓનો આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો.
મુખ્યમંત્રીએ પોતાના ઉદ્દબોધનમાં જાહેર મંચ પરથી ચોટીલા અને થાન તાલુકાના ગામોમાં પાણીની સમસ્યાઓનો આડકતરી રીતે સ્વીકાર કર્યો હતો. આ સમસ્યાને ધ્યાને લઈ પાણીના કામો માટેનું ટેન્ડર મંજુર કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ તાલુકા અને જિલ્લા લેવલે કોઈપણ પ્રકારના વિકાસન કામો માટે આયોજન કરી સરકારને જણાવવા અને સરકાર દ્વારા તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી.
તેમજ પ્રાથમિક શાળા ખાતે ધો.૧માં ૨૧ કુમાર અને ૨૫ કન્યા મળી કુલ ૪૬ વિદ્યાર્થીઓ તથા બાલવાટિકામાં ૨૦ કુમાર અને ૧૭ કન્યા મળીને કુલ ૩૭ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો. તેમજ આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાંઓને પોષણ કીટ તથા ધો.૧થી ૯ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.
ઉપરાંત મુખ્યમંત્રી જ્ઞાાન સાધના સ્કોલરશીપ, નેશનલ મેરીટ કમ્સ મીન્સ સ્કોલરશીપમાં સમાવિષ્ટ ચાર વિદ્યાર્થીઓને તથા ધો.૩ થી ૮માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા આઠ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા વિદ્યાર્થિનીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અને પાકતી મુદ્દતના વિદ્યાલક્ષ્મી બોન્ડની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.