મુળીના સરાની સીમમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
- ચોરીનો ૩૫ હજારો મુદ્દામાલ જપ્ત કરાયો
- મુળી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો
સુરેન્દ્રનગર : મુળી તાલુકાના સરા ગામની સીમમાં આવેલ વાડીમાંથી રૂા.૩૫ હજારની કિંમતમા અંદાજે ૪૦૦ મિટર કેબલની ચોરી થતાં મુળી પોલીસ ટીમે તપાસનો ચક્રો ગતીમાન કર્યા હતાં અને કેબલની ચોરી કરનાર સરા ગામના શખ્સને રૂા.૩૫ હજારની કિંમતના ચોરીમા કેબલ સાથે ઝડપી લઇ ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
મુળી તાલુકાના સરા ગામની સીમમાં આવેલ વાડીમાંથી અંદાજે ૪૦૦ મિટર કેબલ કિંમત રૂા.૩૫ હજારના મુદ્દામાલની ચોરી થયા અંગે ચોરીનો ભોગ બનનાર વાડી માલિકે મુળી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આથી મુળી પીએસઆઇ ડી.ડી.ચુડાસમા સહીતની ટીમે ચોરીનો ભેદ ઉકેલવા હ્યુમન સોર્સ તેમજ ટેકનીકલ સોર્સના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં આ કેબલની ચોરી સરામાં રહેતા ગોપાલભાઇ રામાભાઇ ભરવાડે કરી હોવાની બાતમી મળતા મુળી પોલીસ ટીમે આરોપીને તેના રહેણાંક મકાનેથી ઝડપી લીધો હતો અને તેની પુછપરછ કરતા તેણે પોલીસ સમક્ષ કબુલાત કરતા જણાવ્યું હતું કે પોતે અને બલાભાઇ ભોપાભાઇ ઠાકોરે બન્નેએ સાથે બાઇકમાં વાડીએ જઇ કેબલની ચોરી કરી હતી અને તે કેબલ બલાભાઇની નાડધ્રીની સીમમાં આવેલ વાડીમાં છુપાવ્યો છે તેમ જણાવતા પોલીસે નાડધ્રીની સીમમાં આવેલ વાડીમાંથી ચારી કરેલ કેબલ તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ બાઇક સહીતનો મુદ્દામાલ કબજે કરી બલાભાઇ ભોપાભાઇને ઝડપી લેવા તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.