દસાડાની રૂસ્તમગઢ સીમમાં જીરાના પાકમાં કેનાલના પાણી ફરી વળ્યાં
- ઝીંઝુવાડા શાખાની બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતાં
- કેનાલની નિયમિત સાફ-સફાઈના અભાવે વારંવાર સ્થિતિ ઉદ્ભવતી હોવાથી ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી નર્મદાની માઈનોર કેનાલના ઓવરફલો તથા ભેજના પાણી તારાજી સર્જી રહ્યા હોવાના બનાવો છાસવારે સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર રૂસ્તમગઢ સીમમાં નર્મદા કેનાલના ઓવરફ્લો થવાના અને ભેજના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
રૂસ્તમગઢથી પસાર થતી ઝિંઝુવાડા શાખા નહેરની ઓડુ ડિસ્ટ્રીક માઈનોર કેનાલનું પાણી જીરા સહિતના ઉભા પાક પર ફરી વળતા ખેડૂતોમા રોષ ભભુકી ઉઠયો છે. નર્મદા નિગમના દ્વારા કેનાલની યોગ્ય સફાઈ ન કરવાના કારણે ઉપરાંત કેનાલમાં આવતી લીલ એક જગ્યાએ એકત્ર થવાથી નર્મદાની માઈનોર કેનાલનું પાણી ઓવરફ્લો થતી હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યાં છે.
તથા પાણીનો ભેજ ખેતરમાં લાગવાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ બાબતે અનેક રજૂઆત બાદ પણ નર્મદા નિગમના અધિકારીઓનુ પેટનું પાણી હલતું નથી તેવો રોષ ખેડૂતોએ ઠાલવ્યો હતો. અવારનવાર દસાડા તાલુકામાં નર્મદા નિગમના પાણીથી તારાજી સર્જાતા પાકને ભારે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કાયમી ધોરણે નિરાકારણ લાવવામાં આવે તેવી ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.