નવલગઢ પાસે કેનાલમાં ડૂબી ગયેલા યુવકનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
- બાઈક સાથે યુવક કેનાલમાં ખાબક્યો હતો
- જશાપરથી ભેચડા તરફ જતી કેનાલમાંથી લાશ મળી આવતા પીએમ માટે ખસેડાઈ
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં આકસ્મિક રીતે બાઈક સ્લી૫ ખાતા યુવક અને બાઈક બન્ને નર્મદા કેનાલમાં ખાબક્યા હતા. જે અંગેની જાણ થતાં ધ્રાંગધ્રાની પાલિકા ફાયર ફાયટર ટીમ તેમજ તરવૈયાઓએ ડુબી ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ૨૪ કલાકની ભારે જહેમત બાદ પણ યુવકની લાશ મળી આવી નહોતી. અંતે બનાવના ત્રીજે દિવસે સવારે ડુબી ગયેલા યુવકની જશાપરથી ભેચડા તરફ જતી નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવી હતી.
નવલગઢ ગામે રહેતો જીગરભાઈ મકવાણા (ઉં.વ.૩૫) ગત તા.૧૮ ફેબુ્રઆરીના રોજ રાત્રિના સમયે નવલગઢ પાસેથી પસાર થતી કેનાલના રસ્તે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બાઈક સ્લીપ ખાઈ જતા કેનાલમાં બાઈક સાથે ખાબક્યો હતો. જેથી ધ્રાંગધ્રા તેમજ સુરેન્દ્રનગર ફાયર ફાયટર ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી.
જેમાં યુવકનું બાઈક મળી આવ્યું હતું પરંતુ યુવકનો કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને સતત ૨૪ કલાક સુધી દિવસ-રાત શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાંય ડુબી ગયેલા યુવકની કોઈ ભાળ મળી નહોતી. અંતે કેનાલનું પાણી બંધ કરવામાં આવતાં ત્રીજે દિવસે સવારે જશાપરથી ભેચડા તરફ જતી નર્મદાની કેનાલમાં યુવકની લાશ હોવાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
પોલીસે તપાસ કરતા મૃતક યુવાન નવલગઢ ગામનો જીગર મકવાણા હોવાનું જણાઈ આવતાં પરિવારજનોને જાણ કરી હતી. તેમજ કેનાલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢી ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.