ઢાંકી નજીક સાતનાળામાંથી વિરમગામના યુવકની લાશ મળી
- ચોકડી મેઈન કેનાલમાં પગ લપસ્યો હતો
- બે દિવસ બાદ મળેલા યુવકના મૃતદેહને પીએમ બાદ પરિવારને સોંપ્યો
સુરેન્દ્રનગર : વિરમગામની હીરાપુર ચોકડી મેઈન કેનાલમાં પગ લપસી જતાં પાણીમાં ગરકાવ થયેલા વિરમગામના ઠાકોર સમાજના યુવાનની લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક આવેલા સાત નાળા પાસે લાશ મળી આવી હતી.
વિરમગામનો યુવાન ગત તા.૩૦ ઓક્ટોબરના રોજ બાલાપીર દરગાહ પાછળ આવેલા હીરાપુર ચોકડી મેઈન કેનાલ ઉપર નાનાભાઈ સાથે ફોટો પડાવી રહયો હતો. તે દરમિયાન અચાનક જ તેનો પગ લપસી જતા કેનાલમાં ખાબકયો હતો. જેની જાણ નાનાભાઇને થતા આ અંગે પરિવારજનો તેમજ સગાવાલાને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નર્મદા કેનાલમાં ડુબેલ યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
જેમાં ભારે જહેમત બાદ યુવકની લાશ લખતર તાલુકાના ઢાંકી ગામ નજીક આવેલા સાતનાળા પાસેથી લાશ મળી આવી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં યુવકની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી આસપાસ દુર્ગંધ ફેલાઈ જવા પામી હતી. પરિવારજનોએ આ અંગે તંત્રને જાણ કરી હતી અને મૃતકની લાશને લખતર સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી.
જ્યારે આ બનાવને પગલે લખતર પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે શરૂઆતમાં મૃતક યુવકના પરિવારજનોએ પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને યુવકની લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.