Get The App

ભડવાણાની ગુમ થયેલી દોઢ વર્ષની બાળકીનો પાણીની ટાંકીમાંથી મૃતહેદ મળ્યો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
ભડવાણાની ગુમ થયેલી દોઢ વર્ષની બાળકીનો પાણીની ટાંકીમાંથી મૃતહેદ મળ્યો 1 - image


- મોતનું કારણ પીએમ રીપોર્ટ બાદ માલુમ પડશે

- પડોશીના ડેલામાં આવેલા મકાનની ખુલ્લી ટાંકીમાં બાળકીનો મૃતદેહ તરતો હતો ઃ દીકરીના મોતથી પરિવારમાં માતમ

સુરેન્દ્રનગર : લખતર તાલુકાના ભડવાણા ગામે રહેતા પરિવારની દોઢ વર્ષની બાળકી ઘરની બહાર શેરીમાં રમતા-રમતા અચાનક ગુમ થઈ ગઈ હતી. જેની જાણ થતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં આસપાસની શેરીઓ, તળાવ, કુવા સહિતની શંકાસ્પદ જગ્યાઓ પર શોધખોળ કરવા છતાં મળી આવી નહોતી. જેથી આ અંગે લખતર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરતા ઘરની બાજુમાં આવેલા પાડોશીના ડેલામાં આવેલા મકાનની ખુલ્લી ટાંકીમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

ભડવાણા ગામે રહેતા છનાભાઈ સદાદિયાના પુત્ર પરાગભાઈની સૌથી નાની દોઢ વર્ષની દિકરી બંસી ઘરની બહાર શેરીમાં રમી રહી હતી અને અચાનક રમતા-રમતા બાળકી નજરે ના પડતાં માતા-પિતા સહિત પરિવારજનોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. 

જેમાં આસપાસની શેરીઓ, મકાનો, તળાવ, કુવા સહિત અવારૂ જગ્યાએ પણ તપાસ કરી હતી પરંતુ કોઈ જ પત્તો ન લાગતા છેવટે આ અંગે લખતર પોલીસ મથકે બાળકી ગુમ થયા અંગેની લેખિત અરજી કરવામાં આવી હતી. 

જેથી પોલીસ ડોગ સ્કવોડ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં ઘરની બાજુમાં આવેલા મેલાભાઈ ભરવાડની માલિકીના ડેલામાં રહેતા ભાડૂઆત હિરાભાઈ નારૂભાઈના ઘરમાં આવેલી ખુલ્લી પાણીની ટાંકીમાં બાળકીનો મૃતદેહ તરતી હાલતમાં જોવા મળ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં રમતાં-રમતાં બાળકી અચાનક પાણીની ટાંકીમાં ખાબકી હોવાથી તેનું મોત નીપજ્યું હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે દોઢ વર્ષની માસુમ બાળકીનું અકાળે મોત નીપજતાં પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

 લખતર પોલીસે બાળકીના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. બાળકીનું મોત ડુબી જવાથી થયું છે કે પછી અન્ય કારણોસર મોત નીપજ્યું છે તે પીએમ રીપોર્ટ બાદ જ માલુમ પડશે. 


Google NewsGoogle News