ધોળીધજા ડેમમાંથી મળેલી લાશ સુરેન્દ્રનગરના યુવકની હોવાનું ખુલ્યું
- આપઘાત કે અકસ્માત અંગે રહસ્ય અકબંધ
- ચાર દિવસ પહેલા યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ધોળીધજા ડેમમાંથી મળી આવેલી લાશ સુરેન્દ્રનગરના રાધે ટેર્નામેન્ટ સોસાયટીમાંથી ગુમ થયેલા યુવકની હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે.
ધોળીધજા ડેમમાંથી મંગળવારે સાંજે એક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને તરવૈયાની મદદથી લાશને ડેમમાંથી બહાર કાઢી ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
મૃતકના કપડમાંથી ઓળખના કોઇ પુરાવાઓ ન મળતા પોલીસે આસપાસનાં પોલીસ મથકે નોંધાયેલા ગુમશુધા અંગેની ફરિયાદને આધારે તપાસ હાથ ધરતાં મૃતક સુરેન્દ્રનગર રાધે ટેર્નામેન્ટમાં રહેતા કશ્યપભાઇ રાજેશભાઇ ગજ્જર હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે મૃતકના પરિવારજનોને હોસ્પિટલ ખાતે બોલાવી ઓળખ કરાવતા મૃતકના પરિવારજનોએ લાશને ઓળખી બતાવતા પોલીસે લાશને પોસ્ટમોર્ટમાટે મોકલી આપી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવાન ફીઝયોથેરેપીનો અભ્યાસ કરતો હતો અને ગત તા.૨૬ એપ્રિલના રોજ મોડી રાત્રીના ઘરેથી કોઇને કાંઇ કહ્યાં વગર નિકળી ગયો હતો. તેમનું પર્સ, મોબાઈલ સહીતની તમામ વસ્તુઓ પણ ઘરે જ મુકીને ગયો હતો. ત્યારે યુવકે આપઘાત કર્યો છે કે કેમ સહિતની બાબતો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.