આખલાએ અડફેટે લેતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
આખલાએ અડફેટે લેતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું 1 - image


- વઢવાણના મેમકા-વાડલા રોડ પર 

- રખડતા ઢોરના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું, ઢોરને પકડવા માંગણી

સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના મેમકા વાડલા રોડ પર રાત્રીના સમયે વઢવાણ તરફ આવી રહેલા બાઇકચાલકનો રખડતા ખૂંટ (આખલો) સાથે અકસ્માત સર્જાતા બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બાઇકમાં આવતા બે શખ્સોને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

વઢવાણમાં રહેતા સરફરાજભાઇ ગટુરભાઇ ચૌહાણ તારીખ ૧૨ ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે મેમકાથી વઢવાણ તરફ આવી રહ્યાં હતા .તે દરમિયાન ભાદા હનુમાનજીના મંદિર નજીક અચાનક રખડતો ખૂંટ રસ્તા પર આવી જતાં સરફરાજભાઇનું બાઇક ખૂંટ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ખૂંટ સાથે અથડાયા બાદ સરફારજભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ સરફરાજભાઇનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. 

આ અકસ્માત સર્જાયો તે દરમિયાન વઢવાણથી મેમકા તરફ બાઇકમાં જતા બે શખ્સો અકસ્માતગ્રસ્ત બાઇકને તારવવા જતાં તેમના બાઇકનો પણ અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બન્ને વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

અકસ્માત અંગે જાણ થતાં મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી ગયાં હતાં અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં વઢવાણ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે લાશને પીએમ માટે રાજકોટ રીફર કરી હતી. 

મૃતકે એક વ્યક્તિને રૂપિયા એક હજાર ઉછીના આપ્યા હતા તે લેવા ગયા હતા પરંતુ રૂપિયા તો ન મળ્યા પરંતુ ઘરે પરત ફરતા મોત મળતા વઢવાણ સહીત સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.રસ્તે રખડતા પશુએ શહેરમાં વધુ એક માનવજીંદગીનો ભોગ લીધો છે ત્યારે તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને તાત્કાલિક ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.


Google NewsGoogle News