પાટડીના જૈનાબાદ ગામ પાસે એમ્બ્યુલન્સ પલટી ગઇ
- બાઇક ચાલકને બચાવવા જતા દુર્ઘટના બની
- એમ્બ્યુલન્સના ડ્રાઇવર, ક્લીનરને ઇજા, સદનસીબે જાનહાની ટળી
સુરેન્દ્રનગર : પાટડી તાલુકાના જૈનાબાદ રોડ પર સંસ્થા સંચાલિત હોસ્પીટલની એમ્બ્યુલન્સ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર અને ક્લીનરને ઇજા થઇ હતી.
રાજકોટ ખાતે આવેલ સંસ્થા સંચાલીત આંખની ખાનગી હોસ્પીટલની એબ્યુલન્સ દર્દીને મુકી ને પરત ફરી રહી હતી . તે દરમ્યાન પાટડીના જૈનાબાદ ગામ પાસે અચાનક એક બાઈક આડું ઉતરતા તેને બચાવવા જતા એમ્બ્યુલન્સના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો જેના ભાગરૂપે એમ્બ્યુલન્સ રોડની સાઈડના ખાડામાં પલટી મારી ખાબકી હતી .
જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરને આસપાસના લોકો સહિત વાહનચાલકોએ જેસીબીની મદદથી બહાર કાઢયા હતા અને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા સદ્દનસીબે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી નહિં હોવાથી જાનહાની ટળી હતી.
જ્યારે આ બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળાં તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી.