વઢવાણ તાલુકાની સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની કેદ
- સાત વર્ષ અગાઉના કેસમાં પોસ્કો કોર્ટનો ચુકાદો
- આરોપીને દસ હજારનો દંડ : વસ્તડી ગામનો શખ્સ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયા બાદ દુષ્કર્મ આચર્યું હતું
સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૭માં સગીરાને ફોસલાવી વસ્તડીનો શખ્સ ભગાડી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સુરેન્દ્રનગરની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપીને દસ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને દસ હજારનો દંડ પણ ફટકાર્યો છે.
વઢવાણ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી ગત તા.૧૪ નવેમ્બર ૨૦૧૭ના રોજ ૧૫ વર્ષની સગીરાને લગ્ન તેમજ દુષ્કર્મ કરવાના ઈરાદે વઢવાણના વસ્તડી ગામે રહેતો શખ્સ રાજુભાઈ ખુમાભાઈ ઓગણીયા (ઉ.વ.૨૨) ભગાડીને લઈ ગયો હતો. આરોપી રાજુભાઈ ખુમાભાઈ ઓગણીયાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે ભોગ બનનાર સગીરાની માતાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડયો હતો. આ બનાવનો કેસ તાજેતરમાં સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં પોસ્કો કોર્ટે દસ્તાવેજી પુરાવાઓના આધારે દુષ્કર્મ આચરનાર આરોપી રાજુભાઈ ખુમાભાઈ ઓગણીયાને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૃા.૧૦,૦૦૦નો દંડ ફટકાર્યો હતો.